જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ સ્તરે બિયારણનું ઉત્પાદન છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. જેમાં વખતો વખતના સંશોધનો અને અખતરા બાદ સારી જાતનું બિયારણ ખેડૂતોને મળે તેના માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ઘણા વર્ષોથી કામ કરી રહી છે. જેમાં તેને ભારે સફળતા પણ મળી રહી છે. દર વર્ષે સુધારેલી જાતોના બિયારણનું સફળતાપૂર્વક ખેડૂતોને વેચાણ કરીને ખેડૂતોને આવક અને સારો પાક મળી રહે તે દિશામાં યુનિવર્સિટી દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે.
ગાંધીનગર નજીકથી શુક્રવારે પકડાયેલા નકલી બિયારણને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. તો સામા પક્ષે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણની માગમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા મગફળી, તુવેર, સોયાબીન અને ઘઉં જેવા પાકોના સંશોધન બાદ બિયારણો બજારમાં મુકવામાં આવી રહ્યા છે. કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણો સફળતાપૂર્વક અને સંશોધનને અંતે બહાર પાડવામાં આવે છે. જેને લઇને ખેડૂતો ચિંતામુક્ત બનીને બિયારણની ખરીદી કરતા હોય છે. દર વર્ષે 1000 કરતાં વધુ ખેડૂતોને બિયારણનો લાભ મળે છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વ્યાપારિક ધોરણે બિયારણનું ઉત્પાદન કરવામાં આવતું નથી. આ બિયારણ ખેડૂતોના લાભાર્થે વેચાણ માટે મૂકવામાં આવે છે, જેને લઈને દર વર્ષે 1000 જેટલા ખેડૂતોને આ બિયારણનો વહેલા તે પહેલા ધોરણે લાભ મળે છે. ઘણા ખેડૂતો એવા છે કે, યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણનું તેમના ખેતરમાં વાવેતર કરવા તો ઈચ્છે છે, પરંતુ બિયારણ નહિ મળતા તેઓ નાસીપાસ થાય છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વ્યાપારિક ધોરણે બિયારણનું ઉત્પાદન થતું ન હોવાને કારણે દરેક ખેડૂતની આશા ફળીભૂત થતી નથી. માટે ખેડૂતો માની રહ્યાં છે કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વ્યાપારિક ધોરણે બિયારણનું ઉત્પાદન કરે અને તેનો લાભ રાજ્યના અને દેશના ખેડૂતોને મળવા પાત્ર બની રહે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દેશની એકમાત્ર એવી યુનિવર્સિટી છે કે, જે ખેડૂતોને બિયારણ સબસીડી આપે છે. દેશમાં કૃષિને લગતી અનેક યુનિવર્સિટી અને સંસ્થા કામ કરી રહી છે, પરંતુ ખેડૂતોને બિયારણમાં સબસીડી આપતી એકમાત્ર યુનિવર્સિટી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી છે. માટે ખેડૂતો એના બિયારણ પર વિશેષ ભાર મૂકે છે. પરંતુ યુનિવર્સિટીની કેટલીક મર્યાદાઓને કારણે દરેક ખેડૂતને આનો લાભ મળતો નથી, જેનો ખેડૂતોમાં આજે પણ વસવસો જોવા મળે છે.