જૂનાગઢ અને ગીર પંથકમાં પાકતી કેસર કેરી અહીંના સિંહની જેમ જ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. અહીંના ખેડૂતો કેરીની ખેતીમાં અવારનવાર સંશોધન કરતા રહે છે. મેંદરડા નજીક ભાલછેલ ગામમાં કેરીનું ફાર્મ હાઉસ ધરાવતા પ્રગતિશીલ ખેડૂત સમસુદ્દીને આ પંથકમાં પાકતી કેસર કેરીની સાથે દેશ અને દુનિયામાં પાકતી બીજી 30 જેટલી કેરીનું સફળ વાવેતર કરીને કેરીની ખેતીમાં પણ વિકલ્પ છે અને જો ખેડૂત ધારે તો કેસર કેરીની સાથે અન્ય કેરીનું પણ સફળ ઉત્પાદ કરીને નામના મેળવી શકે છે.
સામાન્ય રીતે જૂનાગઢ અને ગીર પંથકમાં કેસર કેરીને હવામાન અનુકૂળ આવતું હોવાથી અહીં કેસર કેરીનું ઉત્પાદન પુષ્ક્ળ પ્રમાણમાં થાય છે. સમસુદ્દીને બાગાયત વિભાગની સુચનાનું પાલન કરીને 10 ટકા અન્ય જાતની કેરી આમ્રપાલી, કોકમ, નીલમ, જમાદાર, નિલેશ્વરી અને જૂનાગઢના નવાબ જે કેરીના શોખીન હતા. તેવી અમરપસંદ, ગિરિરાજ, વજીરપસંદ, બાદશાહ પસંદ અને ફઝલી જાતની દેશી કેરીની સાથે ઓસ્ટ્રેલિયા અને યુરોપમાં થતી કેરીનું પણ સફળ વાવેતર કર્યું છે. જો તેમાં તેમને સફળતા મળે તો આગામી 2 વર્ષમાં જૂનાગઢ અને ગીર પંથકમાં યુરોપની કેરીની ખેતી પણ શક્ય બનશે.
એક સાથે 30 જેટલી કેરીનું ઝુમખું આવે તેમજ ગોઠલા વગરની કેરીની પણ ખેતી કરીને ભાલછેલ અને જૂનાગઢ પંથકમાં ઓર્ગેનિક ખેતી કરીને કેસરની સાથે દેશી અને વિદેશની કેરીનું ઉત્પાદન થોડા સમયમાં મળશે.