જૂનાગઢ/ગીર સોમનાથ: લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળેલી પૂર્વ બાતમીના આધારે જૂનાગઢ અને ગીર સોમનાથમાંથી આજે ગુનાખોરીની બે ઘટનાને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. સામાજિક દુષણ સમાન નશાકારક પદાર્થ અને દેહ વ્યાપારના ગોરખ ધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
ગોરખ ધંધાનો પર્દાફાશ: શહેરના સાંતેશ્વર રોડ વિસ્તારમાં આવેલા એક રહેણાંક એપાર્ટમેન્ટના બ્લોકમાંથી દેહ વ્યાપાર માટે બોલાવવામાં આવેલી બે યુવતી અને યુવતીઓને દેહ વેપારમાં ધકેલવા માટે બોલાવનાર યુવકની પોલીસે ધરપકડ કરીને શહેરમાંથી ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો છે. જુનાગઢ પોલીસને સમગ્ર દેહ વ્યાપારની જાણકારી પ્રાપ્ત થતાં ડમી ગ્રાહક મોકલીને સમગ્ર કૌભાંડને ખુલ્લું પાડવામાં આવ્યું છે.
બુટલેગરની ધરપકડ: પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે તાલાલા તાલુકાના બોરવાવ ગામમાંથી નશાકારક એવા સૂકા ગાંજાના સાત કિલો જથ્થા સાથે પોલીસે ભીમજી ચાવડા નામના બુટલેગરની ધરપકડ કરી છે તો નશાકારક પદાર્થના વેચાણ સાથે સંકળાયેલો સુરતનો કાળુ નામનો બુટલેગર વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે સાત કિલો ગાંજો કે જેની બજાર કિંમત 70 હજારની થવા જાય છે તેને પકડી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે તપાસ શરૂ કરી: જૂનાગઢ અને ગીર સોમનાથ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગીર સોમનાથના તાલાળામાંથી સાત કિલો ગાંજો અને જુનાગઢમાંથી દેહ વ્યાપારનો કૌભાંડ બહાર લાવવામાં પોલીસને સફળતા મળે છે. નશાકારક પદાર્થ ગાંજાના વેચાણ સાથે ફરાર આરોપીને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે તો જૂનાગઢના દેહ વ્યાપારના કિસ્સામાં સમગ્ર મામલો સ્થાનિક છે કે રાજ્ય બહારનો તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.