- 10 મહિનાથી બંધ રહેલું શિક્ષણકાર્ય સોમવારથી શરૂ
- રાજ્ય સરકારે જે દિશાનિર્દેશો જાહેર કર્યા
- ગાઇડલાઇન્સ મુજબ વિદ્યાર્થીને શાળામાં પ્રવેશ
જૂનાગઢ : જિલ્લામાં સોમવારથી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ કક્ષાનું શિક્ષણકાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણકાર્ય શરૂ કરવાને લઈને જે દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા. તે મુજબ સોમવારથી શિક્ષણકાર્ય શરૂ કરવાને લઈને શાળા સંચાલકો દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 10 મહિના બાદ ફરી એક વખત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલેજો વિદ્યાર્થીઓથી ચહલ-પહલ ભરી બની રહેશે.
માસ્ક સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળા કોલેજો શરૂ કરવાને લઈને જે ગાઈડલાઈન આપી છે તે મુજબ શાળામાં પ્રવેશતાની સાથે જ માસ્ક, સેનિટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સ જેવી તમામ વ્યવસ્થાને ફરજિયાત બનાવવામાં આવી છે. વધુમાં શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશ તેમજ શાળામાં શૈક્ષણિક કાર્ય પૂરું કર્યા બાદ જવા માટેના બે અલગ અલગ માર્ગો પણ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. સંચાલકોએ બને ત્યાં સુધી સામાજિક અંતર અને પ્રત્યેક વિદ્યાર્થી વચ્ચે સીધો સંપર્ક ન થાય તેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.