જૂનાગઢ : દિવાળી પર્વનો પાંચ દિવસીય ઉત્સવ ચાલી રહ્યો છે. આ સમય દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉપરકોટના કિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. પાછલા પાંચ દિવસો દરમિયાન 50 હજાર કરતાં વધુ પ્રવાસીઓએ ઉપરકોટના કિલ્લાની મુલાકાત કરીને 3,000 વર્ષ કરતાં પણ વધુ જુના જૂનાગઢના ઇતિહાસને ફરી એક વખત નજર સમક્ષ જીવંત કરીને ઐતિહાસિક સ્થાપત્યને નિહાળવાનો લહાવો મેળવ્યો હતો.
ઉપરકોટમાં પ્રવાસીઓનું હુઝુમ : દિવાળીના દિવસો અને વેકેશનનો સમય ચાલી રહ્યો છે આવા સમયે જૂનાગઢમાં આવેલા અને આજથી 3000 વર્ષ પૂર્વેના રાજકીય અને સ્થાપત્યના ઇતિહાસને સમેટીને ઉભેલા ઉપરકોટના કિલ્લામાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. પાછલા પાંચ દિવસો દરમિયાન 50 હજાર કરતાં વધુ પ્રવાસીઓએ ઉપરકોટના કિલ્લાની મુલાકાત કરીને ભારતનું પ્રાચીન સ્થાપત્ય અને ખાસ કરીને જૂનાગઢના ઇતિહાસ અને રાજા રજવાડાઓ સાથે જોડાયેલી જીવંત કથાઓને ફરી એક વખત નજર સમક્ષ નિહાળીને ભારે ખુશી વ્યક્ત કરી હતી.
સ્થાપત્યનો સંગ્રહ એટલે ઉપરકોટ : જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો જૂનાગઢના રાજા રજવાડાઓ અને શાસકોના ઇતિહાસ સાથે જોડાયેલા સ્થાપત્યોને સમેટીને આજે પણ ઉભેલો જોવા મળે છે. કિલ્લામાં અડી અને કડી વાવ નવઘણ કુવો રાણકદેવીનો મહેલ નવાબમાં સમયમાં બનાવવામાં આવેલું તળાવ નીલમ અને માણેક તોપ સહિત અનેક પ્રાચીન સ્થાપત્યો આવેલા છે. જે આજથી 3000 વર્ષ પૂર્વે બનાવ્યા હોવાનો પણ ઇતિહાસમાં જોવા મળે છે. આવા પ્રાચીનતમ ઇતિહાસને આજે ફરી એક વખત નજર સમક્ષ નિહાળવાનો મોકો તહેવારોના દિવસો દરમિયાન પ્રવાસીઓને પ્રાપ્ત થયો હતો.
પ્રવાસીઓએ વ્યક્ત કર્યો અભિપ્રાય : આજે દિવસ દરમિયાન 10,000 કરતાં પણ બધું પ્રવાસીઓ ઉપરકોટ કિલ્લાની મુલાકાત લઈ શકે છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતાં. મુંબઈથી આવેલી શાલિનીએ ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ મુંબઈથી ગિરનાર દર્શન માટે આવ્યા હતાં. પરંતુ ઉપરકોટના કિલ્લાને લઈને તેમની પાસે કોઈ જાણકારી ન હતી. માત્ર કિલ્લો છે તે વાતને લઈને તેઓ જાણતા હતાં. પરંતુ આજે જ્યારે કિલ્લાની અંદર પ્રવેશીને જૂના સ્થાપત્યોને નજર સમક્ષ જોયા જે અગાઉ ક્યારેય વાંચવા પણ નહોતા મળ્યાં. વધુમાં તેઓએ જયપુર કરતાં પણ ઉપરકોટના કિલ્લાને ઐતિહાસિક દૃષ્ટિએ પણ સૌથી સારો અને મહત્વનો ગણાવ્યો હતો.
જૂનાગઢનું નજરાણુ ઉપરકોટ : ઉપરકોટના કિલ્લાને જોયા પછી પ્રવાસી પૂજને જણાવ્યું હતું કે ઉપરકોટનો કિલ્લો જૂનાગઢનું એક નજરાણું છે રિસ્ટોરેશન બાદ કિલ્લો તેના ભવ્ય ઇતિહાસ સાથે ફરી એક વખત જીવંત બન્યો છે. આ સિવાય કિલ્લામાં સાફસફાઈને લઈને પણ ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીં આવતા પ્રવાસીઓ માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ ખૂબ જ અનુકૂળ હોવાનો પ્રતિભાવ આપ્યો હતો. તો અવનિએ જણાવ્યું હતું કે રજાના દિવસોમાં ઉપરકોટનો કિલ્લો જોવાની ખૂબ મજા પડી. આવા સ્થાપત્યો નવી પેઢીના યુવાનોને દેખાડવા જોઈએ, જે આપણી ભારતની પ્રાચીનતમ સંસ્કૃતિને જાણી અને માણી શકે. અગાઉ તેવો પાસે ઉપરકોટના કિલ્લાને લઈને માત્ર જાણકારી હતી. પરંતુ આજે જ્યારે જાણકારીને નજર સમક્ષ સ્થાપત્યના રૂપોમાં જોઈને મને સૌથી વધારે ખુશી થઈ હતી.