જૂનાગઢ : ગણતરીના દિવસોમાં પ્રકાશનું પર્વ દિવાળીની ઉજવણીની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આ સમયે જૂનાગઢના યુવાન કલાકારો દ્વારા દિવાળી પર્વને અનુરૂપ વિવિધ રંગોળી બનાવવાની શરૂઆત કરી છે. પાછલા બે વર્ષથી ક્રીમિશન આર્ટ એકેડમી દ્વારા જૂનાગઢના લોકો માટે ખાસ દિવાળીના પર્વને અનુલક્ષીને રંગોળી બનાવવાની શરૂઆત કરવામાં આવી છે.
બેનમુન રંગોળી : જૂનાગઢના સ્થાનિક કલાકારોએ મનમોહક રંગોળી બનાવીને ગયા વર્ષે પણ જૂનાગઢ વાસીઓનું દિલ જીતી લીધું હતું. ત્યારે આ વર્ષે પણ ખાસ દિવાળીના તહેવારને ધ્યાને રાખીને ખૂબ જ બેનમુન કહી શકાય તે પ્રકારે રંગોળી બનાવવાની શરૂઆત કરી છે. ચાર દિવસ બાદ આ રંગોળી પરિપૂર્ણ થતાં તે લોકોના પ્રદર્શન માટે મૂકવામાં આવશે.
ખાસ પ્રસંગોને કરાયા શામેલ : જૂનાગઢના યુવાન કલાકારોએ દિવાળી તહેવારને અનુરૂપ ખાસ પ્રસંગોને રંગોળીના માધ્યમથી પ્રદર્શિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેમાં ખ્યાતનામ અભિનેતા દેવાનંદની જન્મ જયંતિનું વર્ષ ચાલી રહ્યું છે આવા સમયે દેવાનંદ જેવા ઉચ્ચ કોટિના કલાકારને રંગોળીના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે. મોટા ભાગના યુવાન કલાકારો કોઈ પણ વ્યક્તિને જીવનમાં સંદેશો આપે તે પ્રકારની રંગોળી તૈયાર કરવામાં મગ્ન બન્યા છે. આ રંગોળી પ્લાયવુડ પર ચિરોડી કલરના માધ્યમથી બનાવવામાં આવી રહી છે.
તબીબોએ પણ બનાવી રંગોળી : કલા વારસામાં તબીબો પણ પાછળ જોવા મળતા નથી. જૂનાગઢની ડોક્ટર ધ્વનિએ પણ રંગોળી બનાવવામાં પોતાની સહભાગીતા દર્શાવી છે. પાંચ વર્ષની વયથી પેઇન્ટિંગ અને રંગોળી બનાવવાના શોખને કારણે આજે તે 25 વર્ષની વયે ડોક્ટર હોવા છતાં પણ પોતાના કામકાજમાંથી દરરોજ બે ત્રણ કલાકનો સમય કાઢીને પેઇન્ટિંગ કે રંગોળી કરવા પાછળ આપી રહી છે. તબીબ હોવાને કારણે તે તેના શોખને આજે પણ ખૂબ જ મજબૂતાઈથી પકડીને તેને આગળ વધારવાનો પ્રયાસ કરી રહી છે.