જૂનાગઢ: લોકડાઉનને પગલે જૂનાગઢની ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝમાં કરોડો રુપિયાનું નુકસાન થઈ રહ્યું છે. પાછલા 55 દિવસથી ઈન્ડસ્ટ્રીઝમાં કોઈપણ પ્રકારનું કામ નહીં થતા હાલ જૂનાગઢનો હીરાઉદ્યોગ મૃતપાય બની રહ્યો છે.
કોરોના વાયરસની વિપરીત અસરોને લઈને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પાછલા ત્રણ તબક્કા બાદ ચોથા તબક્કો પણ શરૂ થઈ રહ્યો છે. ત્યારે જૂનાગઢ જિલ્લાની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ખૂબ મોટું નુકસાન કરી રહી છે. ગત વર્ષની દિવાળી બાદ ઇન્ડસ્ટ્રીઝમાં મંદી જોવા મળી હતી. પરંતુ ત્યારબાદ થોડે ઘણે અંશે વૈશ્વિક વ્યાપાર શરૂ થતા તેમાં તેજી આવી હતી. પરંતુ જે પ્રકારે કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં હજુ પણ લોકડાઇન જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. તેને લઈને જૂનાગઢની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ પણ ખૂબ મોટા આર્થિક સંકટ તરફ આગળ વધી રહી છે.
હાલ જૂનાગઢ હીરા ઉદ્યોગમાં 15 હજાર કરતાં વધુ રત્નકલાકારો કામ કરી રહ્યા છે. પરંતુ એને કારણે 15000 રત્ન કલાકારોની સાથે હીરા ઉદ્યોગકારો પણ ખૂબ જ કારમી મંદીમાં ફસાતા જોવા મળી રહ્યા છે. જ્યારે લોકડાઉન વધુ લંબાયું છે. ત્યારે હીરાઉદ્યોગકારો પણ ઇન્ડસ્ટ્રીને સરકાર રાહત પેકેજમાં શામેલ કરે તેવી માંગ કરી રહ્યા છે. જૂનાગઢમાં 90 ટકા કરતા વધુ કામો જોબ કામના થાય છે. માટે સુરત અને વિશ્વના અન્ય દેશો તરફથી કાચામાલની સપ્લાય સંપૂર્ણપણે ઠપ જોવા મળી રહી છે. જેના કારણે હીરા ઉદ્યોગ અત્યાર સુધીની સૌથી મોટી મંદીમાંથી પસાર થતો જોવા મળી રહ્યો છે.
હીરા ઉદ્યોગ મોટે ભાગે બેંગકોક ,હોંગકોંગ સહિતના દેશોમાં ખૂબ મોટી બજાર ધરાવે છે. ત્યારે આ દેશોમાં હજુ પણ હીરા બજારને લઈને એક પણ પ્રકારનું કામ કાજ થતું નથી માટે દેશની સાથે રાજ્યનો હીરા ઉદ્યોગ પણ કારમી મંદીમાં ફસાતો જાય છે. હીરા ઉદ્યોગકારો તેમના 42 વર્ષના વ્યવસાય સાથે એમ કહી રહ્યા છે કે, અત્યારે મંદી પ્રવર્તી રહી છે. તે મંદી પાછલા 40 વર્ષમાં તેઓએ ક્યારેય અનુભવી નહોતી. વર્ષ 1979 અને 82માં જે મંદી આવી હતી. તેને લઈને હીરાઉદ્યોગ સદંતર ઠપ થઇ ગયો હતો. તેના કરતાં પણ વધુ ભીષણ અને અસહ્ય મંદી આ વર્ષે જોવા મળી રહી છે. તેમ છતાં આજ દિન સુધી હીરા ઉદ્યોગને કોઈપણ સરકારોએ આર્થિક સહાય કે રાહત પેકેજ આપ્યું નથી. જેને લઇને હીરા ઉદ્યોગકારોમાં પણ ભારોભાર અસંતોષની સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે.