જૂનાગઢ : આવતી કાલથી ધનારક કમુરતા શરૂ થાય છે. 30 દિવસના આ સમયગાળા દરમિયાન તમામ પ્રકારના શુભ અને માંગલિક કાર્ય પર બ્રેક લાગતી જોવા મળશે. તો બીજી તરફ કમૂર્તાના આ સમયમાં ધાર્મિક અને દૈવીય કાર્યની સાથે દાન પુણ્ય અને ધર્મને લગતા કાર્યો થઈ શકે છે. સનાતન ધર્મની આ પરંપરા આજે પણ ધનારક કમુરતા તરીકે ઓળખાય છે, જેમાં લોકો 30 દિવસ સુધી પરંપરાગત રીતે ધર્મ અને દાન પુણ્યના કાર્યમાં જોડાઈ શકે છે.
પૂજાપાઠ હવન અને દાનના દિવસો : ધનારક કમુરતા આવતી કાલથી 30 દિવસ માટે ધનારક કમુરતા શરૂ થવા જઈ રહ્યા છે. વિક્રમ સવંતના આ વર્ષમાં પ્રાચીન કાળથી પરંપરાગત રીતે 16મી ડિસેમ્બરથી ધનારક કમુરતા શરૂ થતા હોય છે. આ સમય દરમિયાન તમામ પ્રકારના શુભ અને માંગલિક કાર્ય પર બ્રેક લાગતી જોવા મળશે. પરંતુ સનાતન ધર્મની પરંપરા અનુસાર ધનારક કમૂર્તાના 30 દિવસો દરમિયાન ધાર્મિક દૈવીય અને સનાતન ધર્મની પરંપરા સાથે જોડાયેલા પૂજન અને ધાર્મિક કાર્યો થઈ શકે છે. વધુમાં આ 30 દિવસો દરમિયાન દાન પુણ્યને પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જેને કારણે પણ ધનારક કમૂર્તાના આ સમયગાળા દરમિયાન પૂજા પાઠ હવન અને દાન થતાં જોવા મળે છે.
સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ : ધનારક કમુરતા દરમ્યાન સૂર્ય રાશી પરિવર્તન કરી અને ધન રાશિમાં આવે છે. જેથી તેને ધનારક કમુરતા તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે વર્ષના 12 મહિના દરમિયાન સૂર્ય 12 રાશિઓમાં પરિભ્રમણ કરે છે. પરંતુ 16મી ડિસેમ્બરથી સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ થવાની સાથે ધન રાશિનો ગુરુ સૂર્યની હાજરીમાં ખૂબ જ નબળો પડે છે જેને કારણે ધનારક કમુરતા શરૂ થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ ધનારક કમુરતાને મહત્વપૂર્ણ માનવામાં આવે છે ધન રાશિમાં પ્રવેશેલા સૂર્યને કારણે ગુરુ નબળો પડે છે સનાતન ધર્મની પરંપરા અનુસાર સૂર્યની હાજરી અને તેના પ્રભાવથી ગુરુ નબળો પડે તેવા ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ કે માંગલિક કાર્યો કરવામાં આવે તો તેમાં યોગ્ય અને ઉચિત સફળતા મળતી નથી જેથી આ સમય દરમિયાન માત્ર ધાર્મિક કાર્યો થઈ શકે છે.
ગાયની સેવા અને તલનું દાન : ધનારક કમૂર્તાના આ 30 દિવસો દરમિયાન દૈવિય અને ધાર્મિક કાર્યો થઈ શકે છે. પરંતુ સાથે સાથે આ દિવસો દરમિયાન જો ગાયની સેવા અને તેનું પૂજન કરવામાં આવે તો પ્રત્યેક વ્યક્તિને તેનું મનવાંચ્છિત ફળ પ્રાપ્ત થતું હોય છે. જેથી કરીને ધનારક કમૂરતાના આ સમયમાં ગાયનું પૂજન પણ વિશેષ થતું હોય છે. તો વધુમાં આ દિવસો દરમિયાન તલના દાનને પણ સનાતન ધર્મમાં સર્વ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. ત્યારે કોઈ પણ વ્યક્તિ ગાયની પૂજા કરવાની સાથે તલનું દાન કરે તો ધનારક કમુરતાના આ સમયગાળામાં તેને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ સારું પરિણામ મળી શકે છે.