હાલ દિવાળીનો સમય ચાલી રહ્યો છે. ભારતીય બજારોમાં ધીરે ધીરે ખરીદી નીકળશે તેવી આશા સેવાઈ રહી છે. બજારમાં દિવાળીના સમયમાં સામાન્ય ચીજવસ્તુઓથી લઈને સોનાની પણ ખરીદી થતી હોય છે. ત્યારે ચાઇના બનાવટની વસ્તુઓ ભારતીય બજારમાં ઠલવાતા ક્યાંક મેડ ઈન ઇન્ડિયા પર હવે ચિંતાનાં વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે. ચાઇનાથી આયાત કરેલી વસ્તુ ભારતીય બજારમાં અને ભારતીય ગ્રાહકોના મન સુધી પહોંચી જાય છે. જેને કારણે મેડ ઇન ઇન્ડિયાને આ દિવાળીના તહેવારમાં ધક્કો લાગી શકે છે.
ચાઇના બનાવટની દરેક વસ્તુઓ ભારતની બજાર અને સમગ્ર વિશ્વની બજારમાં ખૂબ જ ઓછા દરે ગ્રાહકોને મળતી હોય છે તેમજ ચાઇના બ્રાન્ડની બનાવટો પ્રથમ નજરે ગ્રાહકોને આકર્ષી શકે તેવી ફૂલગુલાબી બનાવવામાં આવતી હોય છે. જેને કારણે ચાઇના બ્રાન્ડની કોઈપણ બનાવટ તહેવારોના સમયમાં ગ્રાહકોના મન સુધી પહોંચી જવામાં સફળ રહે છે.
હાલ દિવાળીના સમયમાં સામાન્ય દિવાથી લઈને સુશોભનની ચાઇના બનાવટની વસ્તુઓ ભારતીય બજારમાં પ્રવેશ કરી ગઈ છે. આ તમામ વસ્તુઓ ભારતીય બનાવટની દરેક વસ્તુ પર જાણે કે તેનો પ્રભાવ છોડતી હોય તેવી રીતે દરેક ગ્રાહકોની પસંદ ચાઇના બનાવટની વસ્તુઓ બની રહી છે. જેને કારણે મેક ઇન ઇન્ડિયા યોજનાને ક્યાંકને ક્યાંક ધક્કો લાગતો હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય છે.
મેક ઈન ઇન્ડિયાની જાહેરાત ભારતીય બજાર અને ભારતીય બનાવટને વિશ્વ સુધી પહોંચાડવા માટે કરવામાં આવી હતી આ યોજના થકી ભારતમાં રહેલો કારીગર તેના હુન્નર અને કસબ થકી સમગ્ર વિશ્વમાં ભારતનું એક આગવું બજાર ઊભો કરી શકે તેને લઈને મેક ઈન ઈન્ડિયા નામની યોજના અમલમાં મુકવામાં આવી હતી પરંતુ ભારતમાં ખાસ કરીને ચાઇના અને વિદેશથી આયાત કરેલી વસ્તુઓ ખૂબ જ બહોળા પ્રમાણમાં મળતી હોય છે.
ત્યારે આ તમામ ચીજવસ્તુઓ આપણી બનાવટ પર જાણે કે તેની ચળકાટ વાળી આભા ફેલાવી રહી હોય તે પ્રકારે ભારતીય બનાવટો આ વિદેશી આયાત કરેલી બનાવટોની સામે વામણી પુરવાર થતી જાય છે. જેને કારણે મેક ઇન ઇન્ડિયા થકી ભારતી કારીગરો અને ભારતમાં નિર્માણ બનતી વસ્તુઓ હજુ સુધી ભારતના બજારમાં જ તેની ઓળખ ઊભી કરી શકી નથી માટે મેક ઇન ઇન્ડિયા આ અંગે ફરીથી વિચાર કરવો પડે તેવું લાગી રહ્યું છે.