જુનાગઢ: તાલુકાના ઈવનગર ગામમાં ગત રવિવારની મધ્યરાત્રીએ મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. મૃતક મહિલા દક્ષાબેન બામણીયાના પતિ ગોવિંદભાઈ બામણીયા દ્વારા જુનાગઢ તાલુકા મથકમાં અજાણ્યા વ્યક્તિઓએ તેમની પત્નીની હત્યા કરી છે તેવી ફરિયાદ નોંધાવી હતી. જેમાં આજે ગણતરીના દિવસો બાદ જુનાગઢ પોલીસે દક્ષાબેન બામણીયાની હત્યાના આરોપી તરીકે તેમની પુત્રી મીનાક્ષીબેન બામણીયાની અટકાયત કરીને મહિલાની નિર્મમ હત્યાના ભેદ પરથી 48 કલાકમાં પડદો ઊંચકી નાખ્યો છે.
માતા પુત્રીના પ્રેમ સંબંધથી નારાજ હતી: આરોપી મીનાક્ષીનો પ્રેમી તેને તેમના ઘરે મળવા આવવાનો હતો. પુત્રીના પ્રેમ સંબંધથી ખૂબ જ નારાજ દક્ષાબેન બામણીયા અને તેની પુત્રી મીનાક્ષી વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. જે નિર્મમ હત્યામાં પરિણમ્યો હતો. પ્રેમીને પામવા માટે મીનાક્ષીએ તેની માતાના માથા પર 17 જેટલા ઘા લોખંડના સળિયા વડે કરીને તેને ઘરમાં જ મોતને ઘાટ ઉતારી હતી.
CCTV કેમેરા બંધ કરી હત્યાને અંજામ આપ્યો: ઘરમાં સીસીટીવી હોવાને કારણે માતાની હત્યાનો ભેદ ઉકેલાઈ જશે તેને લઈને સાતીર દિમાગની પુત્રી મીનાક્ષીએ રાત્રિના 11:30 વાગ્યા બાદ તમામ સીસીટીવી કેમેરા બંધ કરીને બિલકુલ ઠંડા કલેજે માતાની હત્યા કરી નાખી જેનો જુનાગઢ પોલીસે આજે ભેદ ઉકેલ નાખ્યો છે. જુનાગઢ પોલીસે પુત્રી મીનાક્ષીની અટકાયત કરીને સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી: જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા હત્યાને લઈને માધ્યમોને વિગતો આપવામાં આવી હતી. પ્રેમીને પામવા માટે પુત્રીએ માતાની નિર્મમ હત્યા કરી છે તેવું પોલીસ તપાસને આધારે સામે આવ્યું છે. વધુમાં આરોપી મીનાક્ષીનો પ્રેમી સમગ્ર હત્યાકાંડમાં સામેલ છે કે નહીં તેને લઈને પણ જુનાગઢ પોલીસ તપાસ કરી રહી છે
આરોપી પુત્રીની અટકાયત: પોલીસે મીનાક્ષી દ્વારા તેમની માતાને મોતને ઘાટ ઉતારવા માટે કેટલીક દવાઓ પણ ખોરાકમાં ભેળવીને આપી હતી. જેમાં પણ પોલીસ તપાસ કરી રહી છે. હજુ સુધી તેમાં કોઈ અંતિમ તપાસ પૂર્ણ થઈ નથી પરંતુ માથામાં લોખંડના સળિયા વડે કરાયેલા 17 ઘાને કારણે દક્ષાબેન બામણીયાનું મોત થયું છે. તેવું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવતા પોલીસે આરોપી તરીકે મૃતક મહિલા દક્ષાબેનની પુત્રી મીનાક્ષી બામણીયાની અટકાયત કરી છે.