જૂનાગઢ : અરબી સમુદ્રમાં આકાર લઈને આગળ ધપી રહેલું બિપરજોય વાવાઝોડાનો ખતરો હવે ગુજરાતના દરિયાકાંઠા વર્તાવવાનુ અનુમાન વ્યક્ત કરાયુ છે. તેને લઈને જુનાગઢ જિલ્લાના માંગરોળ બંદર ખાતે સલામતી-તકેદારી માટે પૂરતા પગલાં લેવાની શરૂઆત થઈ ચૂકી છે. જિલ્લા વહીવટી તંત્ર એ લોકોને દરિયાઈ વિસ્તારમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવાની સાથે તમામ પ્રકારના પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે.
દરિયામાં જોવા મળ્યો વિશેષ કરંટ : આજે વહેલી સવારથી માંગરોળ અને તેની આસપાસના પંથકના દરિયામાં વિશેષ કરંટ જોવા મળે છે. બિપરજોય વાવાઝોડાના ખતરાનો અંદેશો ઉભો કરી રહ્યો છે. માંગરોળ બંદર અને દરિયાકાંઠા વિસ્તારમાં 50થી લઈને 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. જેને વાવાઝોડાના પુર્વાનુમાન તરીકે માનવામાં આવે છે, ત્યારે વાવાઝોડાની સ્થિતિમાં કોઈપણ પ્રકારનુ નુકસાન ન થાય તેમજ લોકો સલામત અને સાવચેત રહે તે માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું છે.
આગામી પાંચ દિવસ મહત્વના : વાવાઝોડાને લઈને આગામી પાંચ દિવસ ખૂબ મહત્વના માનવામાં આવે છે. હવામાન વિભાગે આગામી 15 તારીખ અને ગુરુવાર સુધી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડાની અસરને કારણે 50થી લઈને 70 kmની ઝડપે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરી છે. આ દિવસો દરમિયાન વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. જે રીતે વાવાઝોડું આગળ ધપી રહ્યું છે તેને જોતા વાવાઝોડું કચ્છના દરિયાઈ વિસ્તાર નજીકથી પસાર થવાની શક્યતા વ્યક્ત કરી છે. આજના દિવસે રાહતના સમાચાર એ છે કે વાવાઝોડું ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં સ્પર્શ થવાનું નથી પરંતુ જે રીતે છેલ્લા 48 કલાક દરમિયાન વાવાઝોડાએ તેનો માર્ગ બદલ્યો છે. તે જોતા આગામી 15 તારીખ સુધી તમામ પ્રકારની શક્યતાઓને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા એક્શન પ્લાન બનાવી દેવામાં આવ્યો છે. તેની જવાબદારી જે તે વિભાગના અધિકારીઓને સુપ્રત કરાઈ છે.
SDRS અને NDRFની ટીમો રહેશે તહેનાત : સંભવિત વાવાઝોડાના ખતરાને ધ્યાને રાખીને NDRF અને SDRSની એક ટીમોને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મોકલી દેવામાં આવી છે. આગામી કલાકોમાં જ આ ટીમો જૂનાગઢ અને સોમનાથ જિલ્લામાં તેમને ફાળવવામાં આવેલા અને ખાસ કરીને જ્યાં દરિયાઈ વાવાઝોડાની શક્યતાઓ સૌથી વધુ છે. તે વિસ્તારમાં મોકલવાની કામગીરી કરવામાં આવશે, પરંતુ આગામી પાંચ દિવસ 15 તારીખ અને ગુરુવાર સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો માટે મહત્વના બનવા જઈ રહ્યા છે.