ગત વર્ષની સરખામણીએ જૂનાગઢ શહેરમાં આવેલી વિવિધ વિનયન અને વાણિજ્ય કોલેજ માં 100થી લઈને 500 કરતાં વધુ વિદ્યાર્થીઓનો વધારો જોવા મળી રહ્યો છે. એક સમયે વિજ્ઞાન અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પણ પડાપડી કરતા જોવા મળતા હતા. દરેક માતા-પિતા તેના સંતાનોને વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ અપાવીને ઈજનેર તબીબ થી લઈને વિવિધ વિજ્ઞાન વિદ્યાશાખાઓમાં પારંગત બને તે માટે વિજ્ઞાન પ્રવાહ પસંદ કરાવી રહ્યાં હતા. તો વિદ્યાર્થીઓ પણ હોંશેહોંશે સ્વીકાર કરીને વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા હતા. એક સમય હતો કે જ્યારે 80 ટકા કરતાં પણ વધુ ટકાવારી મેળવેલો વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવા માટે પડાપડી કરતો પરંતુ હવે આ સમય બદલાતો જોવા મળી રહ્યો છે. ઉચ્ચ ગુણો ધરાવતા વિદ્યાર્થીઓ પણ હવે વિનયન વિદ્યાશાખાના તરફ આકર્ષણ બતાવી રહ્યા છે.
ધોરણ 12માં 80 કે તેનાથી વધુ ગુણો પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહ પસંદ કરી રહ્યા છે. જેના પાછળનું એક કારણ વિનયન વિદ્યાશાખામાં વિશાળ તકો અને પસંદગીના માધ્યમો ખૂબ મળી રહે તે માટે હવે વિદ્યાર્થી અને વાલીઓ પણ વિનયન વિદ્યાશાખા તરફ વિચારતા થયા છે. જેને પરિણામે જુનાગઢ શહેરમાં આવેલી સરકારી અર્ધ સરકારી તેમજ ખાનગી કોલેજોમાં 100 થી લઈને 500 કરતાં વધુ વિદ્યાર્થીઓનો વધારો પ્રથમ વર્ષમાં થઇ રહ્યો છે, જે બતાવી આપે છે કે ગત વર્ષ કરતા આ વર્ષે વિદ્યાર્થીઓ વિનયન વિધ્યાશાખા તરફ અગ્રીમતા આપી રહ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોથી વિવિધ સરકારી તેમજ અર્ધસરકારી સંસ્થાઓમાં નોકરી મેળવવા માટે પ્રવેશ પરીક્ષાઓ અનિવાર્ય બનતી જાય છે, જેને લઇને પણ હવે વિદ્યાર્થીઓ તેમની વિદ્યાશાખા પસંદ કરવામાં ચિવટ રાખી રહ્યા છે. સામાન્ય સંજોગોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિનીયન અને વિજ્ઞાન બંને પ્રવાહને મિશ્રિત કરીને પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે. જેમાં 20 ટકાના ગુણોને આધારે વિનયન અને વિજ્ઞાન વિદ્યાશાખામાં થી પ્રશ્નપત્રનું આરૂપ નક્કી થતું હોય છે જેને કારણે વિદ્યાર્થીઓ હવે વિનયન વિધ્યાશાખા તરફ આગળ વધી રહ્યા છે.