જૂનાગઢઃ જિલ્લાના કેશોદમાં સીંગદાણાના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગજાના વેપારીઓના કરોડો રૂપિયા ચાંઉ કરી જતી ચેન્નઇની એક કંપની વિરુદ્ધ સરકારી પોર્ટલ સંસ્થા દ્વારા છેતરપીંડી થયેલી રકમ પાછી મેળવવા પીટીશન દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત નવા વેપારીઓે ન છેતરાય તે માટે સોશિયલ મીડિયામાં મેસેજ વાઇરલ થયા છે.
કેશોદ શહેરના આર્થિક વિકાસમાં સીંગદાણા ઇન્ડસ્ટ્રીઝનું મોટું યોગદાન રહ્યું છે. જેના કારણે દેશ અને વિદેશમાં સીંગદાણાની બહોળી માંગના કારણે મોટા પાયે નિકાસ પણ કરવામાં આવે છે. પરંતુ છેલ્લા 5 વર્ષમાં બહારના રાજ્યોના મોટા ગજાના વેપારીઓએ સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ગુજરાતના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કર્યાના કેસ પણ સામે આવ્યા છે. જેમાંના મોટા ભાગના કેસમાં વેપારી અને પોલીસ જુદા-જુદા રાજ્યોમાં રહેતાં આરોપીઓના ડેલે હાથ દઇ પાછા ફર્યાના પણ દાખલા જોવા મળ્યા છે.
આ છેતરપીંડીના કારણોસર શહેરની અમુક પેઢીઓનું દેવાળું પણ ફૂંકાઇ ચૂક્યું છે. ત્યારે શહેરના 4 કરતાં વધુ વેપારીઓ સાથે ચેન્નઇ સ્થિત એગ્રો ક્રોપ ઇન્ડિયા લીમીટેડે સીંગદાણા ખરીદી કરી 2 કરોડ જેવી રકમનું દેવાળું ફૂંકી નાખ્યું છે અને આ સીંગદાણાના રૂપિયાની ચૂકવણી માટે આજ-કાલ કહીને 7 મહિના જેવો સમય પસાર કરી નાખ્યો છે. આટલા લાંબા સમય બાદ પણ લેણાની રકમ ન મળતાં વેપારીઓએ છેતરપીંડી થયાનું માની નાના ઉદ્યોગકારોના હિતનું રક્ષણ કરતી સરકારની ઓનલાઇન કાઉન્સીલ MSEFCમાં પીટીશન દાખલ કરી છે.
આ ઉપરાંત વધુ વેપારીઓ જરૂરી કાગળો ઉભા કરી આ સંસ્થા દ્વારા પીટીશન કરવાનો મૂડ બનાવી રહ્યા છે. તેવા સમયે હજુ પણ ચેન્નઇની આ કંપની નવા વેપારીઓ સાથે એડવાન્સ પેમેન્ટ જેવી લાલચ આપી છેતરપીંડી કરી રહી છે. તેથી લલચાતાં વેપારીઓ લાલચમાં ન આવે તે માટે વેપારી સંગઠને આ ચીટીંગ કરતી પેઢી વિરુધ્ધ સોશિયલ મીડિયાના સહારે મેસેજ વાઇરલ થઇ રહ્યા છે. જો આ રીતે વેપારીઓ છેતરાતાં રહેશે તો સીંગદાણાની 150માંથી લગભગ 50 જેટલી બચેલી ઇન્ડ્સ્ટ્રીઝને પણ મોટો ધક્કો લાગશે. તેથી તંત્ર દ્વારા સમયાંતરે નાના ઉદ્યોગકારોને બચાવવા કડક નિતી અખત્યાર કરવી પડશે.
સરકાર દ્વારા 2006માં બનાવાયેલી MSEFC (માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝીઝ ફેસાલિટેશન કાઉન્સીલ) સંસ્થા નાના ઉદ્યોગકારોના લાંબા સમયથી રોકાયેલા પેમેન્ટ સબંધિત ફરિયાદ નિવારણ કરતી ઓનલાઇન સંસ્થા છે. જે ઉદ્યોગકારો રજીસ્ટર્ડ થયેલા છે તેનું જ આ સંસ્થા ઓનલાઇન સમાધાન કરવા પીટીશન કરે છે. જેમાં પ્રતિવાદીને નોટિસ બાદ પેમેન્ટ ચૂકવવા 15 દિવસનો સમયગાળો આપવામાં આવે છે. તે દરમિયાન સામેના પક્ષે સાધનીક પૂરાવાઓ રજૂ કરવા માટેની તક આપે છે. જેની કાર્યવાહી માત્ર હાઇકોર્ટમાં જ થઇ શકે છે.