- દેવદિવાળીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરવાનું પ્રાચીન મહત્વ
- દામોદર કુંડમાં ભાવિકોએ લગાવી આસ્થાની ડૂબકી
- કોરોના સંક્રમણને કારણે જૂજ ભાવિકો જોવા મળ્યા
જૂનાગઢ : આજે દેવદિવાળીના પાવન પર્વે ભવનાથની તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં ભાવિકો આસ્થાની ડૂબકી લગાવીને ભવ ભવ નું ભાથું બાંધતા જોવા મળ્યા હતા. દેવ દિવાળીના દિવસે પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરવાનુ ખૂબ જ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. જેનો ઉલ્લેખ આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં પણ જોવા મળે છે. ત્યારે દેવદિવાળીના દિવસે દામોદર કુંડમાં ભાવિકોએ આસ્થાની ડૂબકી લગાવીને પવિત્ર સ્નાન કર્યું હતું.
દેવ દિવાળીનું પાવન પર્વ મનાવવામાં આવી રહ્યું છે. ત્યારે ભવનાથની ગીરી તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં ભાવિકોએ આસ્થાની ડૂબકી લગાવીને પવિત્ર સ્નાનનો લાભ લીધો હતો. દેવદિવાળીના દિવસે પવિત્ર ઘાટ અને નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ આપણા હિન્દુ ધર્મ ગ્રંથોમાં જોવા મળે છે. ત્યારે આદિ-અનાદિ કાળથી ધાર્મિક આસ્થાને સાચવીને સતત વહેતા દામોદર કુંડમાં દેવદિવાળીના પવિત્ર સ્નાન માટે ભક્તો આવી રહ્યા છે. અહીં સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. હિન્દુ ધર્મ ગ્રંથોમાં કરવામાં આવેલા ઉલ્લેખ પ્રમાણે સમગ્ર વિશ્વની ધાર્મિક યાત્રા બાદ જો દામોદર કુંડમાં સ્નાન કરવામાં ન આવે તો ધાર્મિક યાત્રાનુ પુણ્ય ફળ મળતું નથી.