જૂનાગઢઃ આજે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સભ્ય ભરત પટણી જૂનાગઢની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા. તેમણે ઈટીવી ભારત સાથેની ખાસ મુલાકાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે પોતાનો વિચારો રજૂ કર્યા છે.
પોલિટિકલ એજન્ડાઃ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સભ્ય ભરત પટણીએ કાસ્ટ સેન્સસને એક પોલિટિકલ એજન્ડા ગણાવ્યો છે. ભરત પટણી જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરે છે. વિપક્ષ દ્વારા શાસિત રાજ્યોની સરકાર અને તેમના મુખ્ય પ્રધાનો દ્વારા જે રીતે જાતિ આધારિત વસ્તી ગણતરીની તરફેણ કરવામાં આવી છે તે અયોગ્ય છે. આની શરૂઆત બિહારથી થઈ છે ધીમે ધીમે રાજસ્થાન, કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં પણ આ જ પ્રકારે જાતિ આધારિત વસ્તી ગણતરીની શક્યતાઓ પ્રબળ બની રહી છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ અને છત્તીસગઢ માં પણ કોંગ્રેસે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની સરકાર બનશે તો જાતિ આધારિત વસ્તી ગણતરીનું વચન આપ્યું છે. ટૂંકમાં આ એક પોલિટિકલ એજન્ડા છે.
કેન્દ્ર સરકારનું સ્ટેન્ડઃ કેટલાક રાજ્યો જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાના તરફેણમાં છે. જેમની દરખાસ્તનો કેન્દ્ર સરકાર સ્વીકાર કરતી નથી. કોઈપણ સમાજને જાતિ આધારિત વિભાજિત કરવામાં કેન્દ્રની સરકાર માનતી નથી. રાજ્ય સરકારો કેન્દ્ર સરકારની સાથે મળીને સામાન્ય અને છેવાડાના માનવીના જીવન ધોરણને ઊંચુ લાવવા માટે વિકાસકાર્યો કરે તેવું કેન્દ્ર સરકાર ઈચ્છે છે.
બિહાર બાદ હવે વિપક્ષ શાસિત રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ પ્રબળ બની રહી છે તે ખરેખર દુઃખદ છે. કૉંગ્રેસે ચૂંટણી પ્રચાર દરમિયાન મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ કાસ્ટ સેન્સસનું વચન આપ્યું છે જે યોગ્ય નથી. એસસી, એસટી અને ઓબીસીના જીવન ધોરણને ઊંચુ લાવવા માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કામ કરી રહ્યો છે...ભરત પટ્ટણી(સભ્ય, સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ, ભારત સરકાર)