જૂનાગઢઃ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ભાખરવડ ડેમ નજીકથી એક પુરૂષનો મૃતદેહ ત્રણ દિવસ પહેલાં મળી આવ્યો હતો. જે મામલે પોલીસ દ્વારા તપાસ થતાં તેની હત્યા થયાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર 24 લાખની લાલચે મિત્રની દાનત બગડતા હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તરશીંગડાના પૂર્વ સરપંચ અને મૃતકના ભાઈએ ફરિયાદમાં જતીન નામના વ્યક્તિનું નામ લખાવ્યું છે. જે તરશીંગડાનો પૂર્વ સરપંચ અને ભાજપનો કાર્યકર હોવાનું બહાર આવ્યું છે.
માળિયા હાટીના પંથકના ભાખરવડ ગામ નજીકના એક કૂવામાંથી ત્રણ દિવસ પહેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની તપાસમાં આ યુવાનની હત્યા થઇ હોવાનું બહાર આવ્યું છે. જેમા તેની સાથે રહેલા વ્યક્તિએ જ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
પોલીસના જણાવ્યાનુસાર, કેશોદ પંથકના શેરગઢ ગામના મહેન્દ્ર મકવાણા નામના યુવાનનો મૃતદેહ ભાખરવડ ગામ નજીકના કૂવામાંથી મળી આવ્યો હતો. આ યુવાનની જમીન તરશીંગડા ગામે આવેલી છે. જેનો સોદો કરતાં તેમને રૂપિયા 24,47,000ની આવક થઈ હતી. ત્યારબાદ અચાનક તેમનું મોત થયું હોવાનું સામે આવતા પોલીસે ઉડાણપૂર્વક તપાસ કરીને શંકમદોની પૂછપરછ હાથ ધરી હતી. જેના આધારે 3 વ્યક્તિઓની અટકાયત કરાઈ હતી.
મૃતક મહેન્દ્રની સાથે રહેતા જતીન મનસુખ કાસુંદ્રાએ જ હત્યાનું કાવતરું ઘડ્યું હોવાની ફરિયાદ મૃતકના ભાઈએ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.