જૂનાગઢ: એક બાજૂ શિવરાત્રી નજીક આવી રહી છે. તો બીજી બાજૂ જૂનાગઢમાં સાધ્વી જયશ્રીકાનંદ પર હુમલો થયો હોવાની માહિતી મળી રહી છે. ભવનાથના નાગા સન્યાસી શિવગીરી બાપુએ કોઈ કારણોસર ઉશ્કેરાઇને જઈને તલવારથી હુમલો કરતા હોવાનું સામે આવ્યું છે. જોકે, આ મામલે જૂનાગઢમાં અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.
અટકાયત થઈ: ગઈકાલે સાંજના (તારીખ 07.02.2023) સમયે સાધ્વી જયશ્રીકાનંદ પર ભવનાથના નાગા સન્યાસી શિવગીરી બાપુએ કોઈ કારણોસર ઉશ્કેરાઇને જઈને તલવારથી હુમલો કરી દીધો હતો. ઈજાગ્રસ્ત સાધ્વી જયશ્રીકાનંદને જૂનાગઢ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.પોલીસે આરોપી નાગાસન્યાસી શિવગીરી બાપુની બીલખા નજીકથી અટકાયત કરી છે.
તલવારથી હુમલો: મહા શિવરાત્રીનો મેળો શરૂ થવાને લઈને હવે બસ ગણતરીના દિવસો બાકી છે. ભવનાથ વિસ્તારમાં સન્યાસીઓ વચ્ચે બબાલ અને ત્યારબાદ હુમલાની ઘટના બની હતી. સમગ્ર મામલો ચિંતાજનક રીતે ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. ભવનાથના સાધ્વી જયશ્રીકાનંદ પર નાગા સંન્યાસી શિવગીરી બાપુ વચ્ચે કોઈ મામલાને લઈને ઉગ્ર માથાકૂટ થઈ હતી. જેને પગલે ઉશ્કેરાઈ જઈને શિવગીરી બાપુએ તેમની પાસે રહેલી તલવારથી જયશ્રીકાનંદ પર હુમલો કરી દેતા સાધ્વીને ઈજાગ્રસ્ત અવસ્થામાં સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે ખસેડવામાં આવી હતી.
સન્યાસી વચ્ચે વિવાદ: હુમલો કરીને ફરાર થઈ ગયેલા નાગા સંન્યાસી શિવગીરી બાપુની જૂનાગઢ પોલીસે બીલખા નજીકથી અટકાયત કરી છે. સમગ્ર મામલામાં અન્ય એક મહિલા સાધ્વીનું નામ પણ ઉછળી રહ્યું છે. જેને લઈને પણ સમગ્ર મામલો ચર્ચાસ્પદ બની રહ્યો છે. પાછલા ઘણા સમયથી સાધ્વી અને નાગા સન્યાસી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. પાછલા ઘણા સમયથી સાધ્વી જયશ્રીકાનંદ અને નાગા સન્યાસી શિવગીરી બાપુ વચ્ચે અણબનાવ અને ઘર્ષણ ચાલી રહ્યો હતો.
સુરક્ષાને લઈને સવાલો: થોડા વર્ષ પૂર્વે મહાશિવરાત્રીના મેળા દરમિયાન જ સાધ્વી જયશ્રીકાનંદ અને શિવગીરી બાપુ વચ્ચે મંદિર પરિસરમાં હાથો હાથની માથાકૂટ પણ થઈ હતી. ત્યાર બાદ સાધ્વી જયશ્રીકાનંદ અને નાગા સન્યાસી શિવગીરી બાપુ વચ્ચે સતત ચકમક ઝરવાના બનાવો પણ બનતા રહ્યા હતા. ત્યારે ગઈ કાલે અચાનક શિવગીરી બાપુએ સાધ્વી જયશ્રીકાનંદ પર તલવારથી હુમલો કરી દીધો છે. જેને લઈને મહાશિવરાત્રીના મેળા પૂર્વે સાધુ સંતો અને મેળામાં આવતા ભાવિકોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થઈ શકે છે.
આ પણ વાંચો Junagadh : બંગાળી લોકસાહિત્ય ગીરી તળેટીમાં બાઉલ વાદનથી થશે બે સંસ્કૃતિનું મિલન
જયશ્રીકાનંદ અગાઉ પણ રહ્યા છે વિવાદમાં: કેટલાંક વર્ષોથી ભવનાથમાં કાર્યક્ષેત્ર બનાવીને અખાડાના પીઠાધેશ્વર તરીકે ઓળખાતા સાધવી જયશ્રીકાનંદનો ભૂતકાળ પણ પોલીસ ચોપડે નોંધાયેલો છે. થોડા વર્ષો પૂર્વે બનાસકાંઠા જિલ્લામાં તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી. ત્યારબાદ પોલીસે તેમની અટકાયત કરી હતી. પોલીસ કાર્યવાહી બાદ જયશ્રીકાનંદને જેલમાં જવા સુધીનો સમય જોવો પડ્યો હતો. બનાસકાંઠાના આ મામલાથી સાધ્વી જયશ્રીકાનંદ સાધુ સમાજમાં વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ ચહેરા તરીકે જાણીતા બન્યા હતા. બનાસકાંઠાના મામલા બાદ જયશ્રીકાનંદ હવે પાછલા કેટલાક સમયથી જૂનાગઢના ભવનાથમાં જુના અખાડાના પીઠાધિશ્વર તરીકે સેવાઓ આપી રહ્યા છે. ત્યારે અહીં પણ સાધ્વી જયશ્રીકાનંદ વિવાદ માં જોવા મળે છે.
સ્વભાવ પણ ઝઘડાખોર: પાછલા કેટલાક વર્ષોથી ભવનાથને તેમનું કાર્યક્ષેત્ર બનાવીને અહીં શિવ આરાધના કરતા શિવગીરી બાપુ પણ ઝઘડાખોર સ્વભાવના માનવામાં આવે છે. શિવગીરી બાપુ સાથે ભવનાથ ક્ષેત્રના નાના મોટા સાધુ સંતો અને કેટલાક વ્યક્તિઓ સાથે અણ બનાવના બનાવો પણ બનવા પામે છે. થોડા સમય પૂર્વે શિવગીરી બાપુ પર પણ ભવનાથ પોલીસ મથકમાં મારામારીને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગઈકાલે તલવારથી સાધવી પર હુમલાના બનાવમાં જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે શિવગીરી બાપુની અટકાયત કરી છે.
પાછલા કેટલાક વર્ષોથી મેળા: ભવનાથની ગીરી તળેટીમાં આદી અનાદિ કાળથી આયોજિત થતા મહાશિવરાત્રીના મેળામાં પાછલા કેટલાક વર્ષોથી સાધુ સંતો અને મેળામાં આવેલા ભાવિકો વચ્ચે અણ બનાવના બનાવો પણ સતત બનતા જોવા મળે છે. ગત વર્ષે મહાશિવરાત્રીના મેળા દરમિયાન નાગા સન્યાસીએ મેળામાં આવનાર ભાવિક પર કુહાડી વડે હુમલો કર્યો હતો. જેમાં ઈજાગ્રસ્ત થયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. તો તેની પૂર્વે નાગા સન્યાસી પાસે રહેલા હથિયારમાંથી ગોળી છુટી જતા અન્ય એક સંન્યાસીનુ ઘટના સ્થળે જ મોત થયું હતું. ત્યારે પાછલા કેટલાક વર્ષોનો મેળાનો ઇતિહાસ ધીમે ધીમે ઘર્ષણ અને અણ બનાવો તરફ પણ આગળ વધી રહ્યો છે. જે ખૂબ જ ચિંતાનો વિષય માનવામાં આવે છે.