ગીર સોમનાથ: અભિનેત્રી કંગના રનૌત આજે વહેલી સવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોંચી હતી. તેમના દ્વારા સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવી હતી.

અભિનેત્રી કંગનાએ મહાદેવ પર જલાભિષેક કર્યો હતો. સોમનાથ મંદિરના પૂજારીએ અભિનેત્રી કંગના રનૌતને મહાદેવના દરબારમાં આવકાર આપીને મહાદેવના પ્રસાદરૂપી સાલ અર્પણ કરીને તેનું સન્માન કર્યું હતું.


રામ નામ જાપમાં લીધો ભાગ: સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામ નામ યજ્ઞનો પ્રારંભ કરાવ્યો છે. ત્યારે સોમનાથમાં આવેલા રામ મંદિરમાં પણ રામ નામ લેખન ચાલી રહ્યું છે, જેમાં પણ કંગના રનૌત જોડાઈ હતી અને ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની સમીપે રાખવામાં આવેલા પુસ્તકમાં રામ નામ મંત્રનુ લેખન કર્યું હતું. આગામી જાન્યુઆરી માસમાં રામ મંદિરનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. તેમાં રામ નામ યજ્ઞમાં સામેલ ગ્રંથોને પણ મોકલવામાં આવનાર છે. ત્યારે આજે પ્રથમ દિવસે જ રામ નામ જાપ લેખન યજ્ઞમાં કંગના રનૌતે હાજર રહીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

સોમનાથ દર્શન કર્યા બાદ રામ મંદિરમાં દર્શન માટે પહોંચેલી અભિનેત્રી કંગના રનૌતે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુગપુરુષ સાથે સરખાવ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે તેઓ સનાતન ધર્મની સાથે ભારત અને સમગ્ર વિશ્વનો ઉદ્ધાર કરી રહ્યા છે. આજે સોમનાથ મહાદેવના દર્શન કરીને મનને જે પ્રકારે શાંતિ પ્રાપ્ત થાય છે તે શબ્દોમાં વર્ણવી ખૂબ મુશ્કેલ છે. જેટલી વખત સોમનાથ મંદિર પર આક્રમણ કરીને તોડવામાં આવ્યું તેટલી વખત સોમનાથનો ઈતિહાસ સુવર્ણ જડિત બની રહ્યો છે જેની ખુશી પણ છે.
તેજસ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી: 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી 'તેજસ' બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી રહી નથી. જેના કારણે કંગના નારાજ છે. તેથી જ તેણે દ્વારકાધીશ જવાનું નક્કી કર્યું. તેજસમાં કંગના રનૌતે મુખ્ય ભૂમિકા ભજવી છે. સર્વેશ મેવાડા દ્વારા દિગ્દર્શિત 'તેજસ'એ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર વધુ કમાણી કરી નથી. કંગના ઉપરાંત તેમાં અંશુલ ચૌહાણ, વરુણ મિત્રા, આશિષ વિદ્યાર્થી, વિશાક નાયર, કશ્યપ શાંગારી, સુનીત ટંડન, રિયો કાપડિયા, મોહન અગાશે અને મુશ્તાક કાક પણ છે.