જૂનાગઢ: આજે પ્રકાશનું પર્વ દિવાળી સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવી રહ્યું છે ત્યારે જૂનાગઢની દિવાળી રામ અને રહીમનું અનોખું દ્રષ્ટાંત બની રહી છે. જૂનાગઢ શહેરમાં આવેલા પાંચ જેટલા વૃદ્ધાશ્રમોમાં જીવનનો અંતિમ સમય પસાર કરી રહેલા વડીલો માટે જૂનાગઢના યુવાન રિયાઝ રંગુનુંવાલા અને તેમના મિત્રો દ્વારા 80 કરતાં વધુ વડીલોને દેવદર્શન કરાવીને અનોખી રીતે દિવાળીની ઉજવણી કરી હતી.

ટ્રાન્સપોર્ટરે વિનામૂલ્ય સેવા પૂરી પાડી: તમામ વડીલો જૂનાગઢ શહેરના દેવદર્શન કરી શકે તે માટે રાધા મીરા બસના સંચાલકે પણ તેમની બે બસ વિનામૂલ્યે વડીલોની સેવામાં ફાળવી હતી. ઘરથી શરૂ થઈને પ્રથમ ભવનાથ મંદિર અને ત્યારબાદ જૂનાગઢના તમામ પ્રાચીન અને મોટા મંદિરોની સાથે જે જગ્યા પર દિવાળીની રોશની કરવામાં આવી છે ત્યાં બસ મારફતે તમામ વડીલોને પહોંચતા કરવામાં આવશે. તમામ વડીલોને મન ભાવતું ભોજન ગ્રહણ કરાવીને સાચા અર્થમાં દિવાળીની ઉજવણી રિયાઝ રંગુનવાલા અને તેમના મિત્રો આજે કરી રહ્યા છે.

'પાછલા પાંચ છ વર્ષથી તેઓ દિવાળીના દિવસે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને દેવદર્શનની સાથે તેમને ભાવતા ભોજન ગ્રહણ કરાવીને અનોખી રીતે દિવાળીની ઉજવણી કરતા હોય છે. કોરોના સમયમાં વડીલોની તંદુરસ્તીને ધ્યાને રાખીને દિવાળીના દિવસે આવું આયોજન શક્ય બન્યું ન હતું પરંતુ ફરી આ વર્ષે સેવાનો આ યજ્ઞ શરૂ થયો છે. પ્રત્યેક વડીલોના પરિવારજનોને પણ આજના દિવસે માર્મિક વિનંતી પણ કરે છે જીવનના અંતિમ સમયે પહોંચેલા વડીલોની સાથે તહેવારોના સમયમાં તેમના પરિવારજનો સમય વિતાવે તો વડીલો એક અનોખી માનસિક શાંતિનો અનુભવ પણ કરશે.' -રિયાઝ રંગુનવાલા, સેવાભાવી યુવક