જૂનાગઢ : ભવનાથ તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં આજે ધાર્મિક વિધિ કરાવવા માટે આવેલા કિકાણી પરિવારના બાળકનું દામોદર કુંડમાં ડૂબી જવાને કારણે મોત થયું છે. અચાનક દામોદર કુંડમાં ડૂબેલા હેત કિકાણીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કરતા શહેરમાં શોકની લાગણી જોવા મળી હતી.
સત્યમ એપાર્ટમેન્ટ માંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો : ગિરનાર દરવાજા વિસ્તારમાં આવેલ સત્યમ એપાર્ટમેન્ટ માંથી 60 વર્ષીય વૃદ્ધા શીલાબેન નાઢાનો મૃતદેહ મળી આવ્યો છે. એપાર્ટમેન્ટ એકદમ જર્જરીત થયું હોવાને કારણે મનપા દ્વારા ખાલી કરાવ્યું હતું. પરંતુ એકલવાયું જીવન જીવતા શીલાબેન નાઢા તેમના મકાનમાં હતા ત્યારે તેમનું અચાનક મોત થઈ ગયું હશે જેને કારણે મૃતદેહ કોહવાયેલી હાલતમાં જોવા મળતો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
દામોદર કુંડમાં ડૂબી જવાથી બાળકનું મોત થયું : પંદર દિવસ પૂર્વે દામોદર કુંડ ખાતે ધાર્મિક વિધિ કરાવવા માટે આવેલા અન્ય એક પરિવારના બાળકનો પણ દામોદર કુંડમાં ડૂબી જવાને કારણે મોત થયું હતું. ત્યારે આજે પંદર દિવસમાં બીજી વખત બાળકનું દામોદર કુંડમાં ડૂબી જવાથી મોત થયું છે. જેને કારણે શહેરમાં ખૂબ જ ગમગીની જોવા મળી છે. અધિક મહિનો હોવાને કારણે દામોદર કુંડમાં ભાવિકોનો ખૂબ મોટો પ્રવાહ આવી રહ્યો છે. જેને કારણે આ વર્ષે અકસ્માતની બીજી ઘટના ઘટી છે.