જૂનાગઢ: વૃદ્ધાની ગઈ કાલે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચુડા ગામમાં 65 વર્ષના વયો વૃદ્ધ જીવતીબેન વાછાણીની નિર્મમ હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. તેના ઘરની અંદર બનાવવામાં આવેલા પાણીના ટાંકા માંથી મળતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. વૃદ્ધ મહિલાની હત્યા થતા જ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસને ગણતરીની કલાકોમાં જ સફળતા મળી હતી. વૃદ્ધ જીવતી બેનની હત્યાના આરોપમાં પાડોશમાં જ રહેતા અને કસાઈનો વ્યવસાય કરતા દિલાવર સિપાઈની અટકાયત કરી છે.
એકલતાનો લાભ લઈને કરી હત્યા: મૃતક જીવતીબેન ના બંને પુત્રો અન્યત્ર વેપાર અને કામ ધંધા માટે સ્થાયી થયા છે ચુડા ગામમાં એક માત્ર જીવતીબેન એકલા રહેતા હતા જેની એકલતાનો લાભ લઈને તેની પાડોશમાં જ રહેતા કસાઈ દિલાવર સિપાઈ એ લૂંટના ઇરાદે વૃદ્ધ મહિલાની ધારદાર છરી વડે હત્યા નીપજાવીને લાશને ઘરમાં બનેલી પાણીની ટાંકીમાં ફેંકીને ફરાર થઈ ગયો હતો જેને આજે જૂનાગઢ પોલીસે ભેસાણ પરબ ચોકડી પાસેથી સોનાના દાગીના ના મુદ્દા માલ સાથે પકડી પાડ્યો છે.
સંતાનો માટે લાલ બત્તી સમાન કિસ્સો: વૃદ્ધ મહિલાની હત્યા સંતાનો માટે લાલબત્તી સમાન કિસ્સા તરીકે જોવાય રહી છે. સંતાનો ધંધા રોજગાર કે નોકરીના સ્થળે એકલા રહેતા હોય છે. આવી પરિસ્થિતિમાં વૃદ્ધ માતા પિતા તેમના ગામડામાં કે અન્ય સ્થળે એકલા જીવન ગુજારતા હોય છે. આવી પરિસ્થિતિમાં વૃદ્ધ લોકોને એકલતાનો સરળ શિકાર બનાવીને દિલાવર કસાઈ જેવા વ્યક્તિઓ લૂંટના ઇરાદે હત્યા કરવા સુધી પહોંચી જતા હોય છે.