જામનગરમાં ગુરુવારના રોજ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મીટીંગ યોજાઈ હતી. આ જનરલ બોર્ડની મીટીંગમાં વિરોધપક્ષ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધપક્ષના 12 જેટલા સભ્યો ડેન્ગ્યુ મચ્છરના ડ્રેસમાં જનરલ બોર્ડમાં પહોંચ્યા હતા અને વિરોધપક્ષના નેતા સહિતના 12 કોંગ્રેસના સભ્યોએ માથા પર LED લાઈટ બાંધી વિરોધ પ્રદશન કર્યું હતું.
હાલ આ પંથકમાં રોગચાળાએ ભરડો લીધો છે, ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જી. જી. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ડેંન્ગ્યુ મચ્છરના ઉપદ્રવને નાથવામાં મહાનગરપાલિકા નિષ્ફળ ગયું છે. તો કોંગો ફિવરથી એક વ્યક્તિનું મોત થતા કોંગોને કાબુમાં લેવામાં આવે તેવું સૂચન પણ કરવામાં આવ્યું હતું.
જનરલ બોર્ડમાં મોટાભાગના ઠરાવ પાસ કરવામાં આવ્યા છે. તો વિરોધપક્ષના કોર્પોરેટર દેવશી આહિરે રોગચાળા પર પ્રશ્નો કરી ભારે ધમાલ મચાવી હતી. શાસક પક્ષના કોર્પોરેટર પ્રવીણ માડમે રખડતા કુતરા અને ઢોરના ત્રાસ વિશે પ્રશ્નો કર્યા હતાં.
જામનગર શહેરમાં સફાઈનો અભાવ છે. જેના કારણે ભારે ગંદકી જોવા મળી રહી છે. તો RTO દ્વારા નવા નિયમો અને હેલમેટના કાયદાનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે. પરંતુ રોગચાળાને નાબૂદ કરવાની કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જામનગરમાં સીમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી LED લાઈટ જ નથી. જે LED લાઈટ લગાવવામાં આવી છે તે પણ બંધ હાલતમાં છે. તેમજ વોર્ડ નંબર 12માં શાસક પક્ષ દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોવાનો આક્ષેપ કોર્પોરેટર જેનબ ખફીએ લગાવ્યો છે.