જામનગર: કોરોના વાઈરસના પગલે ગુજરાતભરમાં રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ સરકારી કચેરીઓને આમાંથી બાકાત રખાયા છે. નાણાકીય વર્ષના અંતિમ મહિનાનો છેલ્લો સપ્તાહ ચાલી રહ્યો હોવાથી આ ઉપરાંત આગામી મહિનાના પગાર અને પેન્શન સહિતની આર્થિક તમામ પ્રકારની કામગીરી તિજોરી કચેરીમાંથી કરવામાં આવતી હોય છે. ત્યારે જામનગરમાં કોરોના વાઈરસના ભય વચ્ચે પણ ટ્રેઝરી ઓફિસ સતત ધમધમી રહી છે.
ખાસ કરીને ટ્રેજરી ઓફિસના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કોરોના વાઇરસની તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. સતત સેનેટાઈઝરનો ઉપયોગ કરવો તેમજ હેન્ડવોશ કરવા સહિતની તકેદારી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત ક્યાકને કયાંક કોરોના વાઈરસને લઇને સરકારી કર્મચારીઓમાં પણ ભય જોવા મળી રહ્યો છે, પરંતુ તેમ છતાં નિષ્ઠાપૂર્વક અને ખંતથી પોતાની ફરજ નિભાવી રહ્યા છે. જેથી સરકારી વિભાગ અને કર્મચારીઓના તમામ નાણાકીય ક્લિયરિંગ કરી શકાય.
જામનગરની જો વાત કરવામાં આવે તો દર મહિને 300 કરોડનું ક્લિયરિંગ કરવામાં આવે છે. વર્ષે અંદાજે 3600 કરોડનું ક્લિયરિંગ થાય છે. ત્યારે માર્ચ એન્ડિંગની કામગીરીને લઇને પણ ટ્રેઝરી ઓફિસ સહિતની લગત સરકારી કચેરીઓ હાલ કોરોના વાઈરસના ભય વચ્ચે પણ ધમધમતી જોવા મળી રહી છે.