જામનગરઃ વૈશ્વિક મહામારી કોરોના કાળમાં જામનગરની જી.જી. હૉસ્પિટલ તેમજ પ્રાઇવેટ કૉવિડ સેન્ટરમાં મળીને લગભગ 10થી 15 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામે છે. જેના લીધે સ્મશાનમાં અંતિમવિધિ માટે લાઇન લાગે છે. પરિણામે મૃતકના કુટુંબીજનોને કલાકો સુધી અંતિમ સંસ્કાર માટે હાલાકીનો સામનો કરવો પડે છે.
આ બધી દુઃખદ પરિસ્થિતિ વસ્તાભાઈ કેશવાલાના ધ્યાને આવતાં એક સ્મશાન બનાવવું જોઇએ તેવો વિચાર મનમાં આવ્યો હતો. જેનું અમલીકરણ બીજા જ દિવસે કરવામાં આવ્યું હતું અને તારીખ 01-09-2020થી નાઘેડી ગામે જુના સ્મશાનને રિનોવેટ કરવાનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો.
નાઘેડી ગામનું સ્મશાન વર્ષ 2000માં ‘કબિર લ્હેર તળાવ’ ખંભાળિયા રોડ ઉપર બાંધવામાં આવ્યું હતું. તે સ્મશાન મહંત જગદીશદાસજી મહારાજની આજ્ઞાથી બનાવવામાં હતું. જેને આજે 20 વર્ષ થયા છે. તે જ સ્મશાનને રિનોવેશન કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં જનતાની સેવા માટે અર્પણ કરવામાં આવશે.
આ સ્મશાનનું નામ પણ મહંત જગદીશપ્રસાદજી મહારાજ દ્વારા ‘સત્યલોક પ્રસ્થાનધામ’ રખાયું છે. સ્મશાન ગૃહમાં અગ્નિદાહ માટે મૃતકના પરિવાર પાસેથી કોઇપણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં. અગ્નિદાહ માટે જરૂરી લાકડાં પણ સ્મશાન તરફથી ફ્રી આપવામાં આવશે.
ઉપરાંત જો કોઇ આર્થિક રીતે દુ:ખી કુટુંબ હશે તો તેના ક્રિયાક્રમ માટે અમારાથી બનતી શક્તિ પ્રમાણે આર્થિક મદદ કરાશે. હાલ સ્મશાનમાં ત્રણ ખાટલાની વ્યવસ્થા કરવામાં આવશે અને ભવિષ્યમાં જરૂર પડશે તો વધુ ખાટલાનો ઉમેરો કરવામાં આવશે. કોઇપણ દિવસે લાકડા વગર મૃતદેહની અંતિમવિધિ માટે રાહ જોવી પડે કે રઝડવું ન પડે એવી પૂરતી વ્યવસ્થાઓનું ધ્યાન વસ્તાભાઈ કેશવાલા દ્વારા જાતે રાખવામાં આવશે.
મૃતદેહની અંતિમક્રિયા બાદ ડાઘુને ન્હાવા માટે બોરવેલ, પંપસેટ તથા પાણીના ટાંકાની વ્યવસ્થા પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. ઇલેક્ટ્રીક કનેક્શન માટે પણ PGVCLના અધિકારીઓ સાથે યોગ્ય વાતચીત કરીને સ્મશાન માટે ઇલેક્ટ્રીક કનેકશન પણ લેવામાં આવશે. આ ઉપરાંત સ્વચ્છતા જાળવવા માટે મેઇન ગેઇટથી સમગ્ર પરિસરમાં (4000 ચો.ફૂટ) સિમેન્ટના બ્લોક નાખવામાં આવશે અને એક સફાઇ કર્મચારી કાયમી રાખવામાં આવશે.