જામનગરઃ ઘાંચીવાડ સહિતના વિસ્તારને કન્ટેઇન્ટમેન્ટ એરિયા જાહેર કરાયા પછી મનપા દ્વારા સમગ્ર વિસ્તારને સેનેટાઇઝર કરાયો હતો. મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાત નિરીક્ષણ કરાયું હતું. આસપાસના તમામ ઘરોમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેની કામગીરી કરાયો હતો. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે તેમજ સફાઈ માટેની અલગ-અલગ 6 ટુકડીઓ કાર્યરત કરાઈ હતી.
70થી વધુ આરોગ્યની ટુકડીઓ ઘરે-ઘરે સર્વે કરી રહી છે. ઉપરાંત સફાઈ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને યોગ્ય સાફ સફાઈ થાય તે માટે અલગ-અલગ ટીમોને કાર્યરત કરી દેવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ તેમજ ડેપ્યુટી કમિશનર એ. કે.વસ્તાણી વગેરે ગઈકાલે રાત્રે ઘાંચીવાડ સહિતના વિસ્તારમાં પહોંચી ગયા હતા અને ફાયર બ્રિગેડની ટીમ, હેલ્થ વિભાગની ટીમ, સેનેટાઇઝર વિભાગની ટૂકડી વગેરેને સ્થળ પર જ બોલાવી લીધી હતી. અને તમામ ચાંપતા પગલાં ભરવાનું શરૂ કરી દેવાયું હતું.
સૌપ્રથમ ફાયર બ્રિગેડ શાખાના ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઇ તેમજ રાજભા જાડેજાની રાહબરી હેઠળ સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યો હતો.
જે મહિલાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તે મહિલાના રહેણાંક મકાન અને આસપાસના સમગ્ર વિસ્તારને સેનેટાઇઝ કરવામાં આવ્યો હતો. ઉપરાંત આસપાસના વિસ્તારમાં પણ મોડી રાત્રી સુધી સેનેટાઇઝરનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.
સાથોસાથ જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની 70થી વધુ ટુકડીઓને દોડતી કરવામાં આવી છે. ડો. ઋજુતા બેન ભટ્ટ અને ડો.પંડ્યાની રાહબરી હેઠળ ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે અને જરૂરી લોકોના આરોગ્યની પરીક્ષણ કરી સેમ્પલો એકત્ર કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત સોલિડવેસ્ટ શાખા દ્વારા સમગ્ર વિસ્તારને ગઈકાલે રાત્રેથી જ સાફ કરવામાં આવી રહ્યો છે અને જરૂરી દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકાના કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ 6 ટુકડીઓ બનાવી સમગ્ર એરિયામાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. તેમજ સફાઈ કામદારોની 15 કર્મચારીઓની ટુકડી મારફતે સમગ્ર એરીયાને સાફ કરવામાં આવી રહ્યો છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા કન્ટેઇન્ટમેન્ટ એરિયામાં પૂરતા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. જેનું ખૂદ મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ જાતે મોનીટરીંગ કરી રહ્યા છે.