- બાલાચડી સૈનિક શાળા ખાતે 59માં વાર્ષિક દિનની ઉજવણી કરાઇ
- શાળાના આચાર્ય ગ્રૂપ કેપ્ટન રવિન્દસિંહે શાળાનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો
- આ વર્ષે ઓનલાઇન ઉજવણી કરાઇ
જામનગરઃ બાલાચડી સૈનિક શાળા ખાતે 24 ડિસેમ્બર 2020ના રોજ 59માં વાર્ષિક દિવસની ઑનલાઇન ઉજવણી કરવામાં આવી હતી. બાલાચડી સૈનિક શાળાના ભૂતપૂર્વ તાલીમાર્થી પીઢ એર માર્શલ એસ.સી. મુકુલ PVSM, AVSM, VM, VSM આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા.
બાલાચડી સૈનિક શાળાના આચાર્ય ગ્રૂપ કેપ્ટન રવિન્દસિંહે શાળાનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો
દીપ પ્રાગટ્ય સાથે આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો અને ત્યારબાદ સરસ્વતી વંદના કરવામાં આવી હતી. બાલાચડી સૈનિક શાળાના આચાર્ય ગ્રૂપ કેપ્ટન રવિન્દસિંહે શાળાનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં શાળાની મુખ્ય સિદ્ધિઓ અને સશસ્ત્ર દળોમાં અધિકારી તરીકે નિયુક્તિ મેળવવા માટે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપવાના શાળાના મિશન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આચાર્યએ એમ પણ જણાવ્યું હતું કે, શાળા પ્રશાસન વર્તમાન પ્રણાલીમાં બહેતર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું, નવી શૈક્ષણિક પદ્ધતિઓ અપનાવવી અને વર્તમાન સુવિધાઓ અપડેટ કરવી વગેરે વિવિધ આવિષ્કારો લાવીને શિક્ષણના ધોરણોમાં સુધારો કરવા માટે સતત પ્રયત્નશીલ છે. વાર્ષિક અહેવાલના પ્રેઝન્ટેશન બાદ, મંત્રમુગ્ધ કરતો વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમ “બેન્ડવિથ” યોજાયો હતો. જેમાં સરસ્વતી વંદના, રાષ્ટ્રભક્તિની સંગીતમાળા, નૃત્યુ અને સ્કીટ સામેલ કરવામાં આવ્યા હતા. કેડેટ્સે આ બધા જ પરફોર્મન્સ દૂરસ્થ અને ઑનલાઇન માધ્યમથી આપ્યા હતા
વિજ્ઞાન પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું
આ પ્રસંગે ઑનલાઇન વાર્ષિક કળા અને વિજ્ઞાન પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. માતા-પિતા અને કેડેટ્સ યુટ્યૂબ પર લાઇવ સ્ટ્રીમિંગના માધ્યમથી આ વાર્ષિક દિન કાર્યક્રમ અને પ્રદર્શનમાં જોડાયા હતા. શાળાના ઉપાચાર્ય લેફ્ટેનન્ટ કમાન્ડર મનુ આરોરાના આભાર વચન સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.