સાથે જ જામનગર પોલીસે આ બે સોની વેપારી નરેશ દીપચંદ શિરવાણી અને કિશોર પ્રવિણચંદ્ર મોનાણીની પણ ધરપકડ કરી લીધી છે. સીટી-A ડીવીઝન પોલીસે આ બંને વેપારીઓને મંગળવારની રાત્રે તસ્કરોની સાથે લોક-અપમાં ધકેલી દીધા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આજે આ વેપારીઓને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ આ તેમની જામીન અરજી નામંજૂર થતાં બંને વેપારીઓ હાલ પોલીસની હિરાસતમાં જ છે.
જામનગર પોલીસની આ પ્રકારની કામગીરીની વિરૂદ્ધ ઘણાં સોની વેપારીઓમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. જેથી વેપારીઓએ મંગળવારે રાત્રે સીટી-A ડીવીઝન પોલીસ સ્ટેશનની સામે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો, પરંતુ સોની વેપારીઓનું એસોસિએશન વેપારીઓની સાથે ન હોવાથી તેમનો રોષ નકામો પુરવાર થયો હતો. મોડી રાત્રે જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશ તન્નાએ આ રોષે ભરાયેલા સોનીઓના જૂથની મુલાકાત લીધી હતી.
અત્રે નોંધનીય છે કે, જામનગરની સોની બજાર અવારનવાર વિવિધ પ્રકારના વિવાદોમાં ચમકે છે. બીજીબાજુ પોલીસતંત્રની વિવિધ શાખાઓ ચોરીનો માલ વેંચવા આવેલા જુદાજુદા તસ્કરોને જ્યારે જ્યારે પકડે છે ત્યારે ધરપકડનું સ્થળ ચાંદીબજાર દેખાડવામાં આવે છે. અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે જામનગરના સોની વેપારીઓના હાલના એસોસિએશનના હોદ્દેદારો અને પોલીસતંત્ર વચ્ચે ચોક્કસ પ્રકારની સમજુતી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
જેથી માનવામાં આવી રહ્યુ છે કે, જ્યારે અમુક વેપારીઓનું જૂથ પોલીસ તંત્રની વિરુધ મેદાને પડે છે ત્યારે એસોસિએશનના હોદ્દેદારો આવા સોની વેપારીઓની મદદે આવતાં નથી. તેથી જ મનાઈ રહ્યુ છે કે, સોની વેપારીઓ વચ્ચેની આ પ્રકારની ઠંડી લડાઈ આગામી દિવસોમાં ગરમી પકડે તેવી સંભાવના છે. સુત્રો ત્યાં સુધી કહે છે કે, કદાચ સોની વેપારીઓના બીજા એસોસિએશનની રચના કરવી પડે અથવા હાલના એસોસિએશનમાં જોડાયેલા રહીને અમુક વેપારીઓ લોકશાહી પદ્ધતિથી એસોસિએશનની નવેસરથી ચૂંટણીની માંગણી પણ કરી શકે છે.