જામનગર : કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજરોજ જામનગર શહેર ખાતે પધાર્યા હતા. શક્તિ ગોહિલ અહીં બાઈક રેલીમાં જોડાયા હતા. ત્યારબાદ 4 કિલોમીટરની પદયાત્રા કરી અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
કોંગ્રેસનું શકિત પ્રદર્શન : લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે જામનગરમાં કોંગ્રેસ એક્શનમાં આવી છે અને વિવિધ કાર્યક્રમો કરી રહી છે. ત્યારે કોંગ્રેસમાં પરિવર્તન લાવવા અને કોંગ્રેસના કાર્યકરો ફરીથી સક્રિય થાય તે માટે આજરોજ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જામનગર શહેર ખાતે પધાર્યા હતા. અહીં તેમણે બુલેટ ચલાવી બાઈક રેલીમાં જોડાયા હતા. ત્યારબાદ પદયાત્રા કરી અને કલેક્ટર કચેરી સુધી ચાલીને ગયા હતા.
ભાજપે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ગેસના ભાવમાં ઘટાડો કર્યો છે. જોકે ભાજપ મૂઠી ભર ઉદ્યોગપતિઓને લાભ આપવા માટે કામ કરી રહી છે. -- શક્તિસિંહ ગોહિલ (કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ)
પદયાત્રાનું આયોજન : જામનગરમાં સર્કિટ હાઉસથી બાઈક રેલીની શરૂઆત કરવામાં આવી હતી. જે ગુલાબ નગરમાં આવેલા ચેમ્બર ઓફ કોમર્સ ખાતે સમાપ્ત થઈ હતી. બાઈક રેલી બાદ ચેમ્બર ઓફ કોમર્સ શક્તિથી ગોહિલની આગેવાનીમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સથી શરુ થયેલી પદયાત્રા જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને માજી ધારાસભ્ય જોડાયા હતા.
લોકસભા ચૂંટણીની તૈયારી : જામનગર પંથકમાં છેલ્લા 25 થી 30 વર્ષથી કોંગ્રેસનો સતત નબળો દેખાવ જોવા મળી રહ્યો છે. ગ્રામ પંચાયતની ચૂંટણી, જિલ્લા પંચાયત ચૂંટણી, તાલુકા પંચાયત ચૂંટણી અને ધારાસભ્ય તેમજ લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ માટે ખૂબ કપરા ચડાણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હોવાના કારણે મોટાભાગની ચૂંટણીઓમાં કારમો પરાજય મળી રહ્યો હોવાનું રાજકીય વિશ્લેશકનું માનવું છે.
આગેવાનોનો જમઘટ : ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના માજી ધારાસભ્ય વિક્રમ માડમ વિદેશમાં હોવાના કારણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હતા. તો કાલાવડના માજી ધારાસભ્ય પ્રવીણ મુછડીયા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હતા. જોકે માજી ધારાસભ્ય ચિરાગ કાલરિયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.