જામનગર જિલ્લાના અછતગ્રસ્ત લાલપુર તાલુકામાં ખેડૂતો રોષે ભરાયા હતા. એક માસથી તાલુકાભરના ખેડૂતો તંત્ર સામે આંદોલન ચલાવી રહ્યા છે. પાક વીમા બાબતે થયેલા અન્યાયને લઈને રોષ જિલ્લા સુધી પહોંચ્યો હોવા છતાં પણ વહીવટી તંત્ર કે જન પ્રતિનિધીઓએ જવાબ વાળ્યો ન હતો. આખરે ભણગોર ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. તેમાં સ્થાનિક તંત્ર, પોલીસ સહિતનાઓએ સમાધાનનો પ્રયાસ પણ કર્યો, પરંતુ ગ્રામજનો પોતાના નિર્ણય પર મક્કમ રહ્યા હતા.
ભણગોર ગામના ૩૩૪૪ મતદારો ધરાવતા આ ગામના લોકોએ સરકાર અને જન પ્રતિનિધીઓના કારણે આ મુસીબત આવી હોવાનો ભાવ દર્શાવી પાકવીમા બાબતે થયેલા અન્યાય બાબતે તર્ક બદ્ધ દલીલો કરી વિરોધ વ્યક્ત કરી હતી.
ચૂંટણી બાદ ભણગોર ગામ ખાતે ફરીથી લોકો સાથે સમજૂતી અને સુખદ સમાધાન કરી અને ફરીથી મતદાન યોજવામાં આવે તેવો પ્રયાસ કરવા માટેનો એક પત્ર જામજોધપુર તાલુકાના ધારાસભ્ય ચિરાગ કાલરીયા દ્વારા મુખ્યપ્રધાનને લખવામાં આવ્યો હતો. આ પત્રમાં લાલપુર તાલુકાના ભણગોર સમસ્ત ગ્રામજનોએ લાલપુર તાલુકો અછતગ્રસ્ત થયો હોવા છતાં અપૂરતા પ્રમાણમાં મળેલી હોવાથી મતદાનનો બહિષ્કાર દર્શાવ્યો હતો, પરંતુ પત્ર બાદ આ વિષય પર કોઈપણ પ્રકારની આગળ કાર્યવાહી કરવામાં આવી નથી અને કોઈપણ અધિકારીઓ ગ્રામજનો પાસે સમાધાન અર્થે ગયા નથી તેવા ધારાસભ્ય દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા.