જામનગર : નવાગામ ખાતે કપૂરીયા આર્ટસ & કોમર્સ કોલેજ તથા સૌરાષ્ટ્ર યુનિર્વસિટીના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય સેવા યોજનાના સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 7 દિવસ કેમ્પ દરમિયાન વ્યસનમુકિત, બેટી બચાવો બેટી પઢાવો, સ્વચ્છતા અને 0વિવિધ ગામના લોકોને સાંકળી અનેક વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. શહેરી જીવન અને ગામડાનું જીવન વચ્ચેનો તફાવત તેમજ ગામડાના લોકોની સાદું જીવન અને ઉચ્ચ વિચારો ધરાવતું જીવન જીવવાની શૈલી કેમ્પમાં આવેલ વિદ્યાર્થિનીઓએ શીખી હતી.
જીવનમાં ભણતર સાથે ગણતર ખુબ જ જરુરી છે. ભણતર નોલેજ માટે છે. પરંતુ પ્રેકટિકલ નોલેજ માટે ગણતર જરુરી છે. કોલેજની ચાર દિવાલમાં જે જ્ઞાન મળે છે. તે પુસ્તકયું ડિગ્રીનું જ્ઞાન છે. આ કેમ્પમાં દીકરીનું ખરા અર્થમાં ઘડતર થાય છે. લોકોની સાથે રહીને લોકોના પ્રશ્નો સમજીને સેવાકીય કાર્યો કરે છે. અને અભ્યાસની સાથે સમાજનો અનુભવ કરીને ખરા અર્થમાં નાગરિક તરીકેની તાલીમ મેળવે છે.
નાગરિક તરીકેની તાલીમ વર્ગખંડમાં મેળવવા કરતાં જયારે સમાજની વચ્ચે જઇને તેમના પ્રશ્નો જાણીને સાથે રહીને મેળવવામાં આવે તે ખરી કેળવણી છે. પ્રોફેસર અને એન.એસ.એસના પ્રોગ્રામ ઓફિસર ડૉ. અશોક મુંગરા સાથે આવેલ વિધાર્થીનીઓએ 7 દિવસ ગામડાના કલ્ચરમાં રહીને જીવન શૈલી માણી છે. તેમજ ગ્રામજનોને પણ કાયમી અલગ અલગ પ્રોગ્રામો થકી મનોરંજન પણ પુરૂ પાડેલ છે. ત્યારે કેમ્પના અંતિમ દિવસે વિદાય લઈ રહેલ વિદ્યાર્થીની અને ગ્રામજનો વચ્ચે પારિવારિક સબંધોની માફક આંખો ભીની થયેલ પણ જોવા મળેલ હતી.
કપુરીયા આર્ટસ અને કોમર્સ કોલેજની વિદ્યાર્થીની વિભૂતી ચાંગાણીએ જણાવ્યું હતું કે, અમે નવાગામ એન.એસ.એસ. કેમ્પમાં આવ્યાં છીએ. એન.એસ.એસ. એટલે રાષ્ટ્રીય ભાવના સમાજની સેવા કરવી, ભણતરની સાથે ગણતર ખુબ જ જરુરી છે. અમારી કોલેજમાં ભણતરની સાથે ગણતર આપવામાં આવે છે. કોલેજમાં ઇત્તર પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે. આ કેમ્પમાં અમને ઘણું બધું નવું નવું જાણવા શિખવા મળ્યું છે. અમને લોકો તરફથી ખુબ સારો પ્રતિસાદ મળે છે. તેમજ ગામના બધા જ લોકો પુરો સમય અમારી સાથે રહે છે. અલબત ગામ પસંદ કરવાના અમુક ચોકકસ ક્રાઇટેરીયા પણ છે.