- જી.જી હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં વધુ એક બેદરકારી
- એક ખાટલામાં બે થી ત્રણ સગર્ભાને રાખવામાં આવી
- જેના કારણે સગર્ભા મહિલાઓને પડી રહી છે મુશ્કેલીઓ
જામનગર : શહેરની જી.જી હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે. અહીં સમગ્ર હાલાર પંથકમાંથી દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. જામનગરની જી.જી હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં તંત્રની બેદરકારી જોવા મળી છે.
એક ખાટલામાં બે થી ત્રણ સગર્ભાઓને રાખતા પરિવારજનોમાં નારાજગી જોવા મળી છે. ગાયનેક વિભાગમાં ડિલિવરી વોર્ડમાં ઠેર ઠેર આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે.
પરિવારજનોએ રજૂઆત કરી તો તેની સામે ગેરવર્તન કરવામાં આવ્યું
ઉલ્લેખનીય છે કે, ડિલિવરીમાં મહિલાઓને મુશ્કેલીઓ પડી રહી છે. જોકે, હોસ્પિટલ તંત્ર કંઈ પણ બોલવા તૈયાર નથી. સગર્ભા મહિલાઓની સાથે આવેલા પરિવારજનોએ હોસ્પિટલ સ્ટાફને વાત કરી તો તેમણે પણ તેમની સાથે ગેરવર્તન કર્યું હતું.
હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ સમગ્ર ઘટનાથી અજાણ
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ દિપક તિવારી સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું કે, હું સમગ્ર ઘટના વિશે અજાણ છું, મને કંઈ હજુ સુધી ખ્યાલ નથી. જો આવું કંઈ હોસ્પિટલમાં હશે તો તો તેની પણ તપાસ કરવામાં આવશે.
ખંભાળીયાથી આવેલી સગર્ભા મહિલાએ જણાવી હકીકત
ખંભાળીયાથી આવેલા સરોજબેને જણાવ્યું કે, તેઓ અહીં હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં દાખલ થયા છે. ગાયનેક વોર્ડમાં મહિલાઓની સંખ્યા વધુ હોવાને કારણે એક ખાટલામાં બેથી ત્રણ મહિલાઓને બેસાડવામાં આવી છે. જેના કારણે સગર્ભા મહિલાઓ મુશ્કેલીઓ વેઠી રહી છે.