જામનગરઃ ભારત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ એવોર્ડ આપવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે દેશનાં ૨૮ રાજ્યનાં કુલ ૮૫૦થી વધુ ગામડાઓનાં સર્વે કરી ૩૫ ગામડાને વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના ખીજડીયા ગામને સિલ્વર કેટેગરીમાં બેસ્ટ ટુરિઝમ વિલેજ-૨૦૨૩નો એવોર્ડ એનાયત થયો છે. આ સમાચારથી સમગ્ર પંથકમાં ગૌરવની લાગણી પ્રસરી ગઈ છે.
સિલ્વર કેટેગરીમાં એવોર્ડઃ જામનગરની ભાગોળે આવેલું ખીજડીયા પક્ષી અભ્યારણ દેશ-વિદેશના પક્ષી પ્રેમીઓ માટે ઉત્તમ સ્થળ છે. ખીજડીયા પક્ષી અભ્યારણ્યને કારણે ખીજડીયા ગામને સરકાર દ્વારા ટુરિઝમ વિલેજની કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યું હતું. સર્વે અનુસાર ગત એક વર્ષમાં ખીજડીયામાં ૪૧ હજારથી વધુ પ્રવાસીઓનું આગમન થયું હતું. જેથી 1500 થી વધુ સ્થાનિકોને રોજગારી મળી હતી.
ખીજડીયા ગામને મળેલા ટુરિઝમ એવોર્ડ મળવાને પરિણામે સમગ્ર જામનગર પંથકને ગૌરવ પ્રાપ્ત થયું છે. આવનારી પેઢીએ આ વારસો જાળવવો જ જોઈએ...ઓધવજીભાઈ વસોયા(સ્થાનિક, ખીજડીયા ગામ, જામનગર)
ગુજરાતનું ગૌરવઃ ખીજડીયા પક્ષી અભ્યારણ્ય અમિતાભ બચ્ચન અભિનિત ‘ખુશ્બુ ગુજરાત કી’ એડ કેમ્પેઇન અંતર્ગત પણ રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી ચૂક્યું છે ત્યારે બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મળતા ફરી એક વખત ખીજડીયાને કારણે જામનગર જિલ્લા તથા ગુજરાતના ગૌરવમાં વધારો થયો છે.
ખીજડીયા ગામને પક્ષી અભ્યારણને પરિણામે સરકારે ટુરિઝમ એવોર્ડથી નવાજ્યું છે. જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, સ્થાનિકો, તેમજ સમગ્ર જામનગર માટે ગૌરવની વાત છે. થોડા સમય પહેલા ખીજડીયા પક્ષી અભ્યારણ ને રામસર સાહેબ તરીકે પણ સરકારે જાહેર કર્યું હતું. ત્યારે પણ ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી...દક્ષા વઘાસિયા (RFO, જામનગર)
300 જાતના પક્ષીઓનું ઘરઃ થોડા સમય પહેલા ખીજડીયા પક્ષી અભ્યારણ ને રામસર સાહેબ તરીકે પણ સરકારે જાહેર કર્યું છે કારણ કે અહીં ખારા પાણી અને મીઠા પાણી એમ બંને તળાવ આવેલા છે જેના કારણે પક્ષીઓને અહીંનું વાતાવરણ ખૂબ અનુકૂળ આવે છે. અહીં 300 જેટલી જુદી જુદી જાતના પક્ષીઓ વસવાટ કરે છે. ખાસ કરીને શિયાળાની સિઝનમાં વિદેશી પક્ષીઓ મોટા પ્રમાણમાં અભ્યારણ ખાતે આવી પહોંચે છે. જેને જોવા માટે મોટી સંખ્યામાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, પક્ષી પ્રેમીઓ ઉપરાંત વિદેશી પ્રવાસીઓ ઉમટી પડે છે.
ખીજડીયાને મળેલા ટુરિઝમ એવોર્ડને પરિણામે અભ્યારણની મુલાકાત લેતા ટુરિસ્ટોની સંખ્યામાં વધારો થશે. જેને પરિણામે સ્થાનિકોમાં રોજગારીનું પ્રમાણ વધશે. આગામી સમયમાં ગામ વધુ એક સિદ્ધિ મેળવે તેવું અમે ઈચ્છીએ છીએ...પ્રફુલ ચૌહાણ (તલાટી મંત્રી, ખીજડીયા, જામનગર)