જામનગર : વિશ્વ રક્તદાતા દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. તથા વિશ્વ રક્તદાતા દિવસ ઉજવવાનો એક મહત્વનો હેતુ, રક્તાધાન (Blood Transfusion) માટે સુરક્ષિત રક્તની ઉપલબ્ધતા ચાલુ રાખવાનો પણ છે.
એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે આશરે 5 કરોડ બોટલ લોહીની જરૂરિયાત ઊભી થાય છે. જે દિવસે દિવસે વધી રહી છે, પરંતુ તેની સામે માત્ર 80 લાખ બોટલ લોહી રક્તદાતાઓ દ્વારા મળી રહે છે. આ પરથી કહી શકાય કે, આપણા ભારત દેશમાં લોહીની ખૂબ જ અછત છે અને રક્તદાનની જાગૃત્તતા ફેલાવવાની તાતી જરૂરિયાત છે. લોહીનો બીજો કોઈ જ વિકલ્પ ન હોવાથી આપણું લોહી એ બીજા કોઈ માટે જિંદગી બની જાય છે. આપણું રક્તદાતા એ બીજા કોઈના જીવન માટે વરદાન બની જાય છે. દર વર્ષે દેશમાં અંદાજે 10 લાખ જેટલા લોકો કૅન્સર જેવી ગંભીર બીમારીના ભોગ બને છે, જેના કારણે પણ લોહીની માંગમાં સતત વધારો થતો જાય છે.જે લોકો રક્તદાન કરવા માંગતા હોય તેમના લોહીનો સૌ પ્રથમ ટેસ્ટ કરવામાં આવે છે. કારણ કે, લોહી સુરક્ષિત છે કે, નહિ તે ખૂબ જ અગત્યની બાબત છે. આ ટેસ્ટમાં HIV અને હિપેટાઈસ જેવી બિમારીના ટેસ્ટ સામેલ છે, જે લોહી દ્વારા ફેલાતી બીમારીઓ છે. રક્તદાતાને તેની તબિયત વિશે પણ પૂછવામાં આવે છે અને એ પણ પૂછવામાં આવે છે કે, એ વ્યક્તિ કોઈ નશીલા પદાર્થનું સેવન કરે છે કે નહિ. જેનાથી અસુરક્ષિત લોહીથી બચી શકાય. એટલું જ નહિ એ પણ ધ્યાન રાખવામાં આવે છે કે, રક્તદાન પછી રક્ત-દાતાના શરીર પર કોઈ પણ પ્રકારનો પ્રભાવ ન પડે, એટલા માટે રક્તદાતાના શરીરની શારીરીક તપાસ પણ કરવામાં આવે છે. બ્લડ-પ્રેશર, હિમોગ્લોબીન, શરીરનું તાપમાન અને રક્તદાતાના પલ્સ રેટની પણ તપાસ કરવામાં આવે છે.
સામાન્ય રીતે લોકો બીજાની મદદ કરવાના હેતુથી રક્તદાન કરતા હોય છે અને તેમનું એક વખતમાં કરેલું રક્તદાન એ 3 અન્ય લોકોનો જીવ બચાવી શકે છે. એક સર્વે અનુસાર મોટા ભાગના લોકો જેમણે રક્તદાન નથી કર્યું તેમનો રક્તદાન અંગે અભિપ્રાય એ છે કે, એમને ક્યારેય રક્તદાન વિશે વિચાર્યું જ નથી. આનો મતલબ એ કે, સમાજમાં હજું પણ રક્તદાન અંગે જાગૃતિનો અભાવ છે. જો સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવે અને લોકોને રક્તદાન અને તેની જરૂરિયાત તથા તેનાથી થતા ફાયદા વિશે સમજાવવામાં આવે તો એનાથી સમાજને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે છે. આ બાબતે યુવાનોનું ધ્યાન કેન્દ્રિત કરવાની તાતી જરૂરિયાત છે. કારણ કે યુવાનો રક્તદાન માટે સક્ષમ હોય છે. પણ જાગૃતતાના અભાવે યુવાનોને રક્તદાન માટે પ્રેરી શકાતા નથી. હાલમાં જુદી-જુદી બ્લડ બૅન્ક દ્વારા કૉલેજો અને મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં રક્તદાન શિબિર યોજી યુવાનોને રક્તદાન માટે પ્રેરિત કરવામાં આવે છે. જે ખૂબ જ આવકારદાયક પગલું છે.આજે દુનિયા ટેકનોલોજીની બાબતમાં ખૂબ જ આગળ નીકળી ગઈ છે. મેડિસીનની બાબતમાં પણ ઘણા-બધા સંશોધનો થયા અને નવી નવી ટેકનોલોજીનો વિકાસ થયો છે. અદ્યતન સાધનોની મદદથી ઝડપી અને ખૂબ જ સારી રીતે સારવાર કરી શકાય છે. આ બધુ હોવા છતાં પણ હજુ સુધી કૃત્રિમ રીતે લોહી બની શક્યું નથી. એના માટે ઘણા બધા પ્રયત્નો થયા છે, પણ હજું સુધી તેમાં સફળતા મળી નથી. તેના માટેના તમામ પ્રયત્નો વ્યર્થ સાબિત થયા છે. લોહી એ ફક્ત અને ફક્ત કોઈ રક્તદાતા પાસેથી જ મેળવી શકાય છે. અને આ કારણથી જ લોહીની ખૂબ જ અછત ઊભી થાય છે.
દુનિયાની મહાસત્તા અમેરિકા પણ હાલમાં લોહીની અછતનો સામનો કરી રહી છે. ઓરલેન્ડો, ફ્લોરિડામાં એક વ્યક્તિ દ્વારા અંધાધૂધ કરેલા ફાયરિંગમાં 50 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘાયલ થયેલા લોકોની સારવાર માટે હોસ્પિટલોને મોટી સંખ્યામાં લોહીની જરૂરિયાત ઊભી થઈ હતી. તેને ધ્યાને લઈ સ્થાનિક પ્રશાસને લોકોને મોટી સંખ્યામાં રક્તદાન કરવાની અપીલ કરી હતી. રક્તદાન માટે મોટેભાગે શિબિરો યોજવામાં આવે છે, અથવા બ્લડ બૅન્કમાં જઈને રક્તદાન કરાતું હોય છે. આ સંજોગોમાં રક્તદાન શિબિરમાં સલામત રક્તદાન અંગેની પૂરતી વ્યવસ્થા કરવી જરૂરી છે. કેમ કે, કેટલીક વખત રક્તદાતા બિનસલામત સોય કે તેવા કોઈ કારણથી ચેપી રોગનો ભોગ બની શકે છે. જોકે, હવેના સમયમાં જાગૃતિનો ફેલાવો થતાં આવા કિસ્સા ખૂબ જ ઘટી ગયા છે. સમાજમાં કોઈ વિશિષ્ટ દિવસ, જન્મ દિવસ અથવા પ્રસંગની ઉજવણી પણ રક્તદાન શિબિર દ્વારા કરવાનું ચલણ વધ્યુ છે. જે ખૂબ જ આવકાર્ય છે. આમ છતાં પણ સૌના સહિયારા પ્રયાસો હજું ઓછા પડે છે. જેમાં વધારો થાય અને જરૂરી સમયે રક્ત ન મળવાથી કોઈનું પણ મૃત્યુ ન થાય તેવી પરિસ્થિતિ સર્જાય તે જ આદર્શ સ્થિતિ કહી શકાય.હવે, આ વિશે વિચારવાનો સમય થઈ ગયો છે. રક્ત-દાન ભલે આપણે બીજાની મદદ માટે કરતાં હોય પણ એ ફક્ત અન્ય કોઈ બીજી વ્યક્તિને મદદરૂપ છે એવું નથી, પણ ક્યારેક એ આપણને પણ મદદરૂપ બની જાય છે. કારણ કે, આપણે પોતે કે આપણા કોઈ સંબંધી અકસ્માતે કે બીમારીને કારણે દવાખાને દાખલ થાય તો જરૂર પડે કોઈકનું દાન કરેલું રક્ત જ કામમાં આવે.