જામનગર: કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન કેટલાક લોકો ઘરમાં રહી કંટાળ્યા હતા તો કેટલાકે તક ઝડપી પોતાની પ્રતિભા દર્શાવવા ક્રિએટિવ પ્રવૃત્તિઓ પણ કરી. આવો જ એક યુવાન છે જામનગરનો દિકુંજ વાઘેલા કે જેણે લોકડાઉન દરમિયાન માત્ર 1 મિનિટની અદ્ભૂત શોર્ટ ફિલ્મ બનાવી છે. આ યુવકે તેની શોર્ટ ફિલ્મમાં ચેસની રમત દ્વારા કોરોનાને નાબૂદ કરવાનો સંદેશ આપ્યો છે. આ ફિલ્મ તેણે પોતાના ઘરે જ બનાવી છે તેમજ એડિટ પણ જાતે કરી છે.
જામનગરમાં હાલાર હાઉસ પાછળ પરિવાર સાથે રહેતો દિકુંજ હાલ જામનગરની DKV કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે. તે ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી તેમજ એડીટીંગનો નાનપણથી શોખ ધરાવે છે. દિકુંજના પિતા જયેશ વાઘેલાએ પણ તેને આ શોર્ટ ફિલ્મ માટે ઘણું પ્રોત્સાહન આપ્યુ હતું.
પોતાની શોર્ટ ફિલ્મ વડે દિકુંજે કોરોના સંક્રમણથી બચવા જે સંદેશ આપ્યો છે તે ખરેખર સરાહનીય છે.
- જામનગરથી મનસુખ સોલંકીનો વિશેષ અહેવાલ