જામનગર: કોરોના મહામારીમાં જામનગર ખાતે હાલ અનેક સેવાકીય સંસ્થાઓ લોકોને જમવાનું, ફૂડપેકેટ, રાશનકીટ આપી લોકોની મુશ્કેલીઓ નિવારવા માટે પ્રયાસ કરી રહ્યાં છે, ત્યારે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય પ્રધાન ધર્મેન્દ્વસિંહ જાડેજાએ જામનગરના વિવિધ સેવાકીય સંસ્થાનોની મુલાકાત લીધી હતી.
જેમાં વાત્સલ્યધામ વૃધ્ધાશ્રમ દ્વારા ચલાવવામાં આવતા રસોડાની મુલાકાત લીધી હતી અને તેના દાતા રાજેનભાઇ જાનીને અભિનંદન આપ્યા હતા.વાત્સલ્યધામ વૃધ્ધાશ્રમ દ્વારા રોજ 500 જેટલા લોકોને બન્ને સમય જમાડવામાં આવે છે.
તેમજ શાંતિ હોટલની મુલાકાત કરી પ્રધાને ભોજન વ્યવસ્થા નિહાળી હતી. શાંતિ હોટલ દ્વારા દરેડના શિવમ સર્કલ અને એટલાસ સર્કલ તેમજ ઠેબા ચોકડી વિસ્તારના રોજ આશરે 1500થી 2000 જેટલા લોકોને જમાડવામાં આવે છે. રાજ્ય પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા અને શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા દ્વારા આ સેવાકર્મીઓની કામગીરી નિહાળી આ કપરા સમયમાં લોકોને મદદરૂપ થવાની તેમની ભાવનાને બિરદાવી હતી.