જામનગરઃ 5 સપ્ટેમ્બર એટલે કે, પૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષક સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનને સમગ્ર રાષ્ટ્ર શિક્ષકદિન તરીકે ઉજવે છે, ત્યારે જામનગર જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષકો તરીકે જે શિક્ષકોએ પોતાનું યોગદાન આપ્યુું છે. તેઓને સન્માનિત કરવા માટે ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જામનગરના સંયુક્ત ઉપક્રમે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો હતો.
જામનગરઃ ત્રણ જિલ્લા કક્ષાના અને છ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું આ સમારોહમાં જિલ્લા કક્ષાના 3 શિક્ષકો અને તાલુકા કક્ષાના 6 શિક્ષકોનું સાંસદ પૂનમબેન માડમના હસ્તે સન્માન કરાયું હતું. જામનગર જિલ્લા કક્ષાના પારિતોષિકમાં મ્યુનિસિપલ હાઇસ્કૂલ, જામનગર માધ્યમિક વિભાગના કિરીટ જશવંતગર ગોસ્વામી, સતાપર નવાપરા વાડી પ્રાથમિક શાળા, જામજોધપુરના જયેશકુમાર ભીખુભાઈ ખાંટ અને તરસાઈ તાલુકા શાળા, જામજોધપુરના દક્ષાબેન રમેશભાઈ દવેને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે તાલુકા કક્ષાએ દાવલી પ્રાથમિક શાળા, કાલાવડના રસુલભાઈ જમાલભાઈ એરંડિયા, પીપર કુમાર શાળા, પીપર કાલાવડના તરુલતાબેન પોપટભાઈ વડારિયા, નેસડા પ્રાથમિક શાળા, જોડિયાના રમેશચંદ્ર શિવલાલ ધમસાણિયા, સણોસરી તાલુકા શાળા, લાલપુરના ઋષિરાજસિંહ રઘુવીરસિંહ જાડેજા, વડવાળા પ્રાથમિક શાળા, જામજોધપુરના પંકજભાઈ અમૃતલાલ પરમાર અને મેલાણ પ્રાથમિક શાળા, જામજોધપુરના મનીષકુમાર અમૃતલાલ ચનિયારાને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાયા હતા.
જામનગરઃ ત્રણ જિલ્લા કક્ષાના અને છ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું આ તકે સાંસદ પૂનમબેન માડમે કહ્યું હતું કે, “વન્સ અ ટીચર ઇઝ ઓલ્વેઝ અ ટીચર” શિક્ષકોએ બાળકોના જીવન ઘડતર કરી સાચી દેશસેવા કરી રહ્યા છે. દેશને સારા નાગરિકોની ભેટ આપી રાષ્ટ્રનિર્માણના પાયા મજબૂત કરવામાં શિક્ષકોનો ફાળો છે. વળી, શહેર અને ગ્રામીણ વિસ્તારના શિક્ષકો વચ્ચે જોઈએ તો અનેક પ્રકારના ભિન્ન પડકારો હોય છે. પરંતુ આ સામે પણ લડી અને તેઓ ગ્રામીણ વિસ્તારોના બાળકોનું સર્વાંગી ઘડતર કરી રહ્યા છે. તેવા સરકારી શાળાઓના શિક્ષકો તે આવતી પેઢીના ઘડવૈયા છે. આજે સારા ડોક્ટર, સારા અધિકારીઓ, સારા પ્રોફેશનલ્સ પણ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ હતા. શિક્ષકો દ્વારા બાળકોના યોગ્ય ઘડતર દ્વારા આજે પેઢીની નોંધ વૈશ્વિકસ્તરે લેવાય છે અને ભારતની એક આગવી ઓળખ ઊભી થઈ છે. કોરોનાના સમયમાં પણ બાળકોના શિક્ષણ અને ઘડતરમાં ક્યાંય અંતરાય ન આવે તે માટે શિક્ષકો દ્વારા ઓનલાઇન જે સુંદર કામગીરી કરાઇ છે. તે શિક્ષકોની પ્રતિબદ્ધતા દર્શાવે છે. શિક્ષકએ બાળકના જીવનમાં માતા-પિતા બાદનું સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે. વળી, હાલમાં જ નવી એજ્યુકેશન પોલીસી પણ જ્યારે અમલમાં આવી છે. તો આવનારા દિવસોમાં શિક્ષકો નવી એજ્યુકેશન પોલીસી દ્વારા વધુ સારી રીતે બાળકોને વૈશ્વિક સ્તરે આગળ લાવી અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપશે. તેવી શુભકામના પણ સાંસદએ વ્યક્ત કરી હતી.
જામનગરઃ ત્રણ જિલ્લા કક્ષાના અને છ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં ગુરુને પ્રભુ અને માતા-પિતા સમકક્ષ સ્થાન આપ્યું છે. જેમ કુંભાર ઘડો બનાવે તેવી જ રીતે શિક્ષકો બાળકને સારા નાગરિક બનાવે છે અને સારા નાગરિક થકી જ રાષ્ટ્રનો વિકાસ થાય છે. આવા સમયમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન પ્રાપ્ત કરનારા દરેક શિક્ષકોને ધારાસભ્યએ શુભેચ્છા પાઠવી હતી.
આ શુભ પ્રસંગે સન્માનિત થનારા શ્રેષ્ઠ શિક્ષકો રસુલભાઇ અને ઋષિરાજસિંહએ પોતાને મળેલા શ્રેષ્ઠ શિક્ષક તરીકેના પુરસ્કારની રકમ પોતાની શાળાઓને અર્પણ કરી હતી અને શ્રેષ્ઠ શિક્ષકો રમેશભાઈ તેમજ દક્ષાબેનએ પોતાના વિચારો આ કાર્યક્રમમાં વ્યક્ત કર્યા હતા.
આ સમારોહમાં શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરસનભાઈ ડાંગર, નેશનલ હાઇસ્કુલના અધ્યક્ષ બીપીનભાઈ ઝવેરી, જિલ્લા શિક્ષણ અધિકારી એસ. એલ.ડોડીયા તેમજ વિવિધ શાળાઓના આચાર્ય અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.