જામનગર : ધનતેરસના શુભ દિન નિમિત્તે રાજ્યભરમાં 155 કેન્દ્ર પર શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે જામનગર શહેરમાં ધારાસભ્ય રિવાબા જાડેજાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત શહેરમાં રામેશ્વર ચોક સહિત વિવિધ 10 જગ્યા પર કેન્દ્ર પરથી ફક્ત 5 રૂપિયામાં શ્રમિકોને ભરપેટ પૌષ્ટિક ભોજન મળશે.
શ્રમિક અન્નપૂર્ણા યોજના : ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, શ્રમ કૌશલ વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમિકોને 5 રૂપિયામાં ભોજન આપવા શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી હતી. ત્યારે આજે સમગ્ર રાજ્યમાં 155 જેટલા બુથ પર આ યોજના પ્રારંભ કરવામાં આવી હતી. જામનગરમાં એક બુથ પર સૌપ્રથમ ધારાસભ્ય રિવાબા જાડેજાએ શ્રમિકોને આપવામાં આવનાર ભોજન કર્યું હતું.
5 રૂપિયામાં ભરપેટ ભોજન : સમગ્ર રાજ્યના એક સાથે 155 કેન્દ્રોની સાથે સાથે જામનગરમાં પણ માત્ર 5 રૂપિયામાં શ્રમિકોને અન્નપૂર્ણા યોજના હેઠળ ભોજન પીરસવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય રીવાબા જાડેજા તથા અન્ય અગ્રણીઓએ જાતે જ શ્રમિકોને ભોજન પીરસી અન્નપૂર્ણા યોજનાનો વિધિવત પ્રારંભ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આજે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા 155 કેન્દ્રો પર શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
કોને મળશે લાભ ? જામનગરમાં પણ રામેશ્વરનગર પાસે આવેલા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રનો ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. જામનગર શહેરમાં જુદા જુદા 10 જેટલા સ્થળો પર અન્નપૂર્ણા કેન્દ્ર પર શ્રમિક અને તેમના પરિવારજનોને માત્ર 5 રૂપિયામાં ભરપેટ પૌષ્ટિક ભોજન મળી રહેશે. ઉપરાંત સપ્તાહમાં એક દિવસ મીઠાઈ પણ પીરસવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.