- એડવોકેટ કિરીટ જોશીની હત્યાની સોપારી 60 લાખમાં અપાઇ હતી
- આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી ફરાર
- અનેક ચોંકાવનારી વિગતો આવી બહાર
જામનગર: જિલ્લામાં ત્રણ વર્ષ પહેલા ટાઉનહોલ પાસે એડવોકેટ કિરીટ જોશીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જોકે આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હતા. જામનગર પોલીસે કિરીટ જોશી હત્યાકાંડના ત્રણ આરોપીને કોલકાતાથી ઝડપી પાડયા છે અને હાલ તેમના રિમાન્ડ મંજૂર થતાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ભુમાફિયા જયેશ પટેલે રૂપિયા 60 લાખમાં હત્યાની સોપારી આપી હતી.
આ પણ વાંચો: જામનગર: કોવિડ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ આરોપી ફરાર, જામનગર પોલીસ દોડતી થઈ
જામનગર પોલીસ એક આરોપીને લઇને નેપાળ જવા રવાના
અમદાવાદની સાબરમતી જેલમાં કિરીટ જોશીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. અમદાવાદ જેલમાં જયેશ પટેલ હતો, ત્યારે તેમણે બે ઠક્કર બંધુ અને ગઢવી સાથે દોસ્તી થઈ હતી અને બાદમાં જેલમાંથી બહાર નીકળ્યા બાદ જયેશ પટેલે એડવોકેટ કિરીટ જોશીની હત્યાની સોપારી આ ત્રણેય શખ્સોને રુપિયા 60 લાખમાં આપી હતી.
જામનગર LCB ટીમને બાતમી મળી
એડવોકેટ કિરીટ જોશીની હત્યા કર્યા બાદ ત્રણેય આરોપી 04 જેટલાં દેશ તેમજ 07 જેટલા રાજ્યમાં નાસતા ફરતા હતા. જોકે જામનગર LCB ટીમને ચોક્કસ બાતમી મળતાં કોલકતામાં વેશપલટો કરી અને ત્રણેય આરોપીઓને દબોચી લીધા છે.
આ પણ વાંચો: જામનગરમાં લાલવાડીમાંથી 8.46 લાખના અંગ્રેજી દારૂ સાથે 2ની ધરપકડ
નેપાળમાં અન્ય કડીઓ મળે તેવી શક્યતાઓ
ખાસ કરીને ઝડપાયેલા ત્રણેય આરોપીઓ નેપાળના રસ્તેથી અન્ય દેશોમાં ભાગ્યા હતા અને નેપાળમાં પણ રોકાણ કર્યું હતું. જામનગર પોલીસ એક આરોપીને લઇને હાલ નેપાળ રવાના થઇ છે. ખાસ કરીને નેપાળમાં કંઈ હોટલમાં રોકાયા હતા તેમજ અન્ય વિગતો પણ બહાર આવે તેવી શક્યતા છે. ભુમાફીયો જયેશ પટેલ ત્રણેય આરોપીને લઇને 3થી 5 લાખ રૂપિયા આપતો હતો અને બે-ત્રણ વખત મુલાકાત પણ થઇ હોવાની વિગતો બહાર આવી છે.