જામનગર : જામનગર મહાનગરપાલિકા અને જામનગર જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોની વરણી માટે ભાજપની સંગઠન પાંખ દ્વારા આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે સવારે કોર્પોરેશન માટે શહેર ભાજપ કાર્યાલય અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અગ્રણીઓ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરુ થઇ ગઇ છે. જેમાં કોર્પોરેશન ભાજપના તમામ કોર્પોરેટર, સંગઠન પાંખના હોદેદારો સહિતના લોકોની સેન્સ લેવાઇ રહી છે. બીજી તરફ જિલ્લા અને તાલુકા પંચાયતના હોદેદારોની સાંભળવામાં આવી રહ્યા છે.
સેન્સ પ્રક્રિયા : આજે સવારે 9 વાગ્યાથી કોર્પોરેશનના મેયર, ડે.મેયર, ચેરમેન, નેતા અને દંડક માટે ભાજપના અમોહ શાહ, મહેન્દ્ર પનોત અને રક્ષાબેન બોરીચાએ દાવેદારોને સાંભળ્યા હતાં. મેયર બિનાબેન કોઠારી, ભાજપના શહેર અધ્યક્ષ ડો.વિમલ કગથરા, સ્ટે. ચેરમેન મનીષ કટારીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ભાજપના એકાદ-બે સિવાયના તમામ કોર્પોરેટરોએ શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સની પ્રક્રિયામાં ભાગ લીધો હતો. કોર્પોરેશનના મેયર, ડે.મેયર, ચેરમેન, નેતા અને દંડક માટે ભાજપના અમોહ શાહ, મહેન્દ્ર પનોત અને રક્ષાબેન બોરીચા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયત માટે ગોવિંદભાઇ પટેલ, બ્રિજેશ મેરજા અને વંદનાબેન મકવાણાએ દાવેદારોને સાંભળ્યા હતા.
કાર્યકર્તાઓનો જમાવડો : કોર્પોરેશનમાં મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન, નેતા અને દંડકના પદ માટે અનેક લોકોએ દાવેદારી કરી છે. નિરીક્ષકો તેમના દાવાઓ સાંભળી રહ્યા છે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડને આ પ્રક્રિયા સોંપી દેવામાં આવશે. આજ સવારથી જ ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળ્યો હતો. કેટલાક સેન્સ ન આપનારા અને સિનીયર કાર્યકર્તા આ પ્રક્રિયા જોવા આવ્યા હતા. પરંતુ જે અપેક્ષિત નહતા તેમને અંદર પ્રવેશ મળ્યો ન હતો.
રાજકીય માહોલ ગરમ : જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે આજ સવારથી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અને તાલુકા પંચાયત માટે ગોવિંદભાઇ પટેલ, બ્રિજેશ મેરજા અને વંદનાબેન મકવાણાએ દાવેદારોને સાંભળ્યા હતા. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સ્થાયી સમિતિના ચેરમેન અને કેટલાક સિનિયર કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. નવી ટર્મમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, સ્થાયી સમિતિના ચેરમેન, દંડકની નિમણુંક કરવામાં આવશે. ત્યારે આજે સવારથી જ સેન્સની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. ગામડાઓમાંથી ભાજપના સભ્યો અને હોદેદારો સવારથી જ જામનગરમાં આવી ગયા હતા. આજ સવારથી જ રાજકીય માહોલ ગરમ થઇ ચૂક્યો છે.
સતાની વરમાળા : આ સેન્સની પ્રક્રિયામાં ગત વિધાનસભાની ચૂંટણીમાં કરેલ કામગીરી, અઢી વર્ષ દરમિયાન કોર્પોરેશન અને જિલ્લા પંચાયતમાં સભ્યોએ કરેલી કામગીરી તેમજ લોકસભાની આગામી ચૂંટણી તેમજ જ્ઞાતિ સમીકરણોને ઘ્યાને લઇને પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે ભાજપ તરફથી છેલ્લી ઘડીએ એક-બે નવા નામ પણ આવી શકે છે. એટલે અત્યારે તો કોના ગળામાં સતાની વરમાળા આવશે તે નક્કી નથી. અત્યાર સુધીમાં ક્યારેય જામનગર જિલ્લા પંચાયત અને જામનગર કોર્પોરેશનના પદાધિકારીઓની વરણી માટે આ પ્રકારની વન બાય વન સેન્સ લેવામાં આવી નથી.
હોદ્દેદારોની પસંદગી : આ વખતે ભાજપે નવો ચીલો ચાતર્યો છે. એટલે આગામી દિવસોમાં જામનગર શહેર અને જિલ્લામાં રાજકારણ ગરમ બની જશે. લગભગ 10 સપ્ટેમ્બર સુધી દાવેદારો પોતપોતાની રીતે ગાંધીનગર સુધી જોરદાર લોબીંગ કરશે. આખરે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ, પ્રદેશ પ્રમુખ, મુખ્યપ્રધાન સાથે મળીને કેન્દ્રીય નેતાગીરીની સુચના અનુસાર અને આગામી લોકસભાની ચૂંટણીને ખાસ ધ્યાનમાં રાખીને હોદ્દેદારોની પસંદગી કરવામાં આવશે તેમ માનવામાં આવે છે.