- નરેશ કનોડિયાનું નિધન થતા સમગ્ર ઢોલીવુડ શોકમાં ગરકાવ
- નરેશ કનોડિયાએ 125 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું
- જુનિયર નરેશ કનોડિયા એટલે કિશોરભાઈ વાજાએ આપી શ્રદ્ધાંજલિ
જામનગર : ગુજરાતી ફિલ્મ જગતના મેગાસ્ટાર એવા નરેશ કનોડિયાનું નિધન થતા સમગ્ર ઢોલીવુડ શોકમાં ગરકાવ થઇ ગયું છે, ત્યારે જામનગરના જુનિયર નરેશ કનોડિયા તરીકે જાણિતા એવા કિશોર વાજાએ મેગાસ્ટારના અવસાન પર શોક વ્યક્ત કરી ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.
કોરોના સામે જંગ હાર્યા મેગાસ્ટાર!
કોરોનાને કારણે નરેશ કનોડિયા હોસ્પિટલમાં દાખલ હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ગુજરાતી ફિલ્મ જગતના મેગાસ્ટાર નરેશ કનોડિયાએ 125 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. સુપરસ્ટાર નરેશ કનોડિયા ગુજરાતીઓના દિલોદિમાગ પર છવાયા હતા.
72 અભિનેત્રી સાથે કામ કર્યું
ગુજરાતી ફિલ્મના સુપર નાયક નરેશ કનોડિયાએ 40 વર્ષ ફિલ્મક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે. જે દરમિયાન તેમને ઘણી ખ્યાતનામ અભિનેત્રીઓ જેવી કે, સ્નેહલતા, અરુણા ઈરાની, રોમા માણેક જેવી 72 અભિનેત્રીઓ સાથે કામ કર્યું હતું. નરેશ કનોડિયાએ તેમની કારકિર્દીની શરૂઆત ચલચિત્ર 'વેલીને આવ્યા ફૂલ'થી કરી હતી.
કનોડિયા બંધુઓએ દુનિયા છોડી
ગુજરાતી ગીત-સંગીતની વિશ્વવિખ્યાત બંધુ બેલડી એક જ સપ્તાહમાં દુનિયા છોડી ગઈ છે. પહેલા મોટાભાઈ મહેશ કનોડિયાનું અવસાન થયું. જે બાદ મંગળવારના રોજ નરેશ કનોડિયાનું કોરોનાની સારવાર દરમિયાન હોસ્પિટલમાં નિધન થયું હતું. જે કારણે મહેશ નરેશની જોડી હવે માત્ર યાદોમાં જ રહી જશે.
જામનગરથી લડ્યા હતા ચૂંટણી
મહત્વનું છે કે, નરેશ કનોડિયાએ જામનગર બેઠક પરથી નરેશ કનોડિયાએ ચૂંટણી લડી હતી. જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
હંમેશા પથદર્શક રહેશે
જામનગરમાં રહેતા જુનિયર નરેશ કનોડિયા એટલે કિશોરભાઈ વાજાએ ETV BHARAT સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, તેમને નરેશ કનોડિયા સાથે ખૂબ નિકટતમ સંબંધો હતા અને હર હંમેશા તેમના માટે પથદર્શક રહેશે.