જામનગરઃ ક્ષાર અંકુશ પેટા કચેરીમાં ફરજ બજાવતા 53 વર્ષીય કર્મચારીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. આત્મહત્યાનું કારણ હાલ સામે આવ્યું નથી. હાલ બેડી મરિન પોલીસે મૃતદેહનો કબજો મેળવીને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસ આગળની તપાસ હાથ ધરી રહી છે.
સમગ્ર ઘટનાક્રમઃ જામનગરના પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા અને ક્ષાર અંકુશ પેટા વિભાગની કચેરીમાં ફરજ બજાવતા જયસુખ કાનાણીએ અગમ્ય કારણસર મોત વ્હાલું કર્યુ હતું. સમગ્ર પરિવારનો આધાર છીનવાયો છે. આ આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જામનગરના બંધારો ડેમ પાસે નિર્જન સ્થળે પોતાના શર્ટથી ગળે ફાંસો ખાઈને જયસુખ કાનાણીએ આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસ કાર્યવાહીઃ આ સમગ્ર મામલે મૃતકના મોટાભાઈ અમૃત કાનાણીએ શહેરના સિટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસને તપાસ કરતા મૃતકનું બાઈક બિનવારસી હાલતમાં બંધારો ડેમ પાસેથી નિર્જન સ્થળે મળી આવ્યું હતું. પોલીસે આસપાસ તપાસ કરતા ઝાડીઓમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જયસુખ કાનાણીનો મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો. બેડી મરિન પોલીસે આ મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે જામનગરની જી જી હોસ્પિલમાં ખસેડ્યો હતો.
અગમ્ય કારણ સર આત્મહત્યાઃ પોલીસે આ આત્મહત્યાના કેસમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર બનાવમાં આત્મહત્યાનું કારણ અગમ્ય રહ્યું છે. પોલીસ પુછપરછ કરી રહી છે. એક સરકારી કર્મચારીની આ રીતે આત્મહત્યાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ છે. પીએમ રિપોર્ટ આવશે ત્યારબાદ આ આત્મહત્યા વિશે વધુ માહિતી મળી શકે તેમ છે.