- સોમવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઇ
- જામનગર હાપા માર્કેટ યાર્ડમાં એક પણ ખેડૂતે ટેકાના ભાવે મગફળીનું વેચાણ ન કર્યું
- ખેડૂતોને ઓપન માર્કેટમાં પોષણક્ષમ ભાવો મળે છે
જામનગર : રાજ્યભરમાં સોમવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. ત્યારે જામનગર હાપા માર્કેટ યાર્ડમાં એક પણ ખેડૂત ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે આવ્યો નથી. આ અંગે ETV BHARATએ હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન રાઘવજી પટેલ સાથે ખાસ વાતચીત કરી હતી.
45થી વધુ ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા
રવિવારે હાપા માર્કેટિંગ યાર્ડ દ્વારા 45થી વધુ ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા હતો. જો કે, ખેડૂતોને ઓપન હરાજીમાં પોષણક્ષમ ભાવો મળતા હોવાના કારણે ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા આવી રહ્યા નથી.
એક લાખથી વધુ મગફળીની ગુણીનું વેચાણ કરાયું
હાપા માર્કેટિંગ યાર્ડમાં ઓપન હરાજીમાં અત્યાર સુધીમાં એક લાખથી વધું મગફળીની ગુણીનું વેચાણ કરવામાં આવ્યું છે. સોમવારના રોજ 35 હજાર ગુણીની આવક થઈ છે. મહત્વનું છે કે, હાપા માર્કેટિંગ યાર્ડ બહાર બે કિલોમીટર લાંબી વાહનોની લાઈન પણ જોવા મળી રહી છે.
515થી વધું વાહનોની લાંબી લાઇન
સોમવારે હાપા માર્કેટિંગ યાર્ડમાં 515 જેટલા વાહનો મગફળી ભરીને આવ્યા છે. જો કે, છેલ્લા 24 કલાકથી ખેડૂતોની મગફળી યાર્ડમાં હરાજી ન કરતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. કારણ કે, મગફળી ભરેલા વાહન ચાલકો ખેડૂતો પાસેથી બમણું ભાડું વસૂલી રહ્યા છે.
હાપા માર્કેટિંગ યાર્ડમાં પૂરતી કેપેસિટી નથી
ETV BHARAT સાથેની વાતચીતમાં હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન રાઘવજી પટેલે જણાવ્યું કે, હાપા માર્કેટિંગ યાર્ડમાં પૂરતી કેપેસિટી ન હોવાને કારણે આ ખેડૂતોનો માલ તેમના વાહનોમાં રાખવામાં આવ્યો છે.