જામનગર : દિવાળીના તહેવાર નિમિતે લોકો ધંધા વેપાર બંધ કરી રજા પર જતા રહ્યાં છે. હિન્દૂુપંચાંગ પ્રમાણે દિવાળી બાદ લાભ પાંચમના દિવસે તમામ વેપાર ધંધા ફરી શરુ થશે. વેપાર ધંધાની સાથે સાથે માર્કેટિંગ યાર્ડ પણ પાંચ દિવસ બંધ હતું. જે લાભ પાંચમના દિવસે શરુ થશે. જો કે ખેડૂતો એક દિવસ અગાઉથી જ માર્કેટિંગ યાર્ડ પહોંચી ગયા છે.
ખેડૂતો 24 કલાક પહેલા જ યાર્ડ પહોંચી ગયાં : જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ બહાર ખેડૂતો પોતાની જણસ લઈને પહોંચી ગયા છે. કેટલાક ખેડૂતો 24 કલાક પહેલા જ યાર્ડ પહોંચી ગયા છે. લાભ પાંચમના દિવસે યાર્ડમા સવારે 9 વાગ્યાંથી હરાજી શરુ થશે. જો કે ખેડૂતો પોતાની જણસ વહેલા સારા ભાવે વેંચાય તે માટે અગાઉથી જ પહોંચી ગયા છે. ખેડૂતોનું કહેવું છે કે અમારે વાહનનું ભાડું વધારે આપવું પડે છે આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે.
એક મણ અજમાના રૂપિયા 5,005 : જામનગરના હાપા માર્કેટ યાર્ડ ખાતે આજે લાભ પાંચમના શુભ મુહૂર્તે વિવિધ જણસીઓની આવક સાથે હરાજીની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં આજે અજમાની પણ હરાજી શરૂઆત કરાઈ હતી. હાપા માર્કેટ યાર્ડ ખાતે આજે યોજાયેલા અજમાની હરાજીમાં ખેડૂતને એક મણના રૂપિયા 5,005 સુધીના ઊંચા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યાં હતાં. ત્યારે લાભ પાંચમના શુભ મુહૂર્તે વેપારીઓએ પણ મુહર્ત સાચવીને આજથી યાર્ડમાં હરાજીની શરૂઆત કરી હતી. આજે યોજાયેલી હરાજીની પ્રક્રિયા અંગે હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે વિગતો આપી હતી.
કપાસ અને મગફળીની પુષ્કળ આવક : દિવાળીના પર્વ બાદ આજે લાભપાંચમના પવિત્ર દિવસે હાપા યાર્ડમાં કપાસ અને મગફળીની પુષ્કળ આવક થવા પામી છે. આજે યાર્ડમાં છ ગુણી નવા અજમાની આવક થવા પામી છે અને આ લખાય છે ત્યારે હરાજી શરુ થઇ છે, યાર્ડમાં આજે ખૂલતી બજારે પુષ્કળ આવકથી ખેડૂતોમાં ખુશીની લાગણી જન્મી છે, જે યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલની યાદીમાં જણાવ્યું છે.