- ધ્રોલમાં ગુજરાત કિસાન કોંગ્રેસે કર્યો હલ્લાબોલ
- મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ ન મળતા કર્યો હલ્લાબોલ
- સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવાની ઉચ્ચારી ચિમકી
જામનગર : જિલ્લામાં આવેલા ધ્રોલ ખાતેથી ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઇ આંબલિયાની આગેવાની હેઠળ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને પાક વિમાના મુદ્દે ખેડૂતોને ન્યાય અપાવવા આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. બુધવારે આ અંતર્ગત ધ્રોલ ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને ન્યાય આપવાની માંગણી કરવામાં આવી છે.
મુખ્યપ્રધાન દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવી
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો પણ સમાવેશ થાય છે. જે વિસ્તારોમાં વધુ વરસાદ પડ્યો હોય તેવા ખેડૂતોને વળતર આપવાની જાહેરાત આ યોજના દ્વારા કરવામાં આવી છે, પરંતુ આ વાત સદંતર પોકળ સાબિત થઇ રહી છે અને સરકાર ખેડૂતોને છેતરી રહી હોવાનો આક્ષેપ ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઇ આંબલિયા દ્વારા કરવામાં આવ્યો છે.
મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
જામનગરના ધ્રોલ ખાતે બુધવારે મામલતદારને આવેદનપત્ર પાઠવી ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઇ આંબલિયા અને ખેડૂતો દ્વારા તાત્કાલિક મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ ખેડૂતોને મળે, તેમજ ગત વર્ષે મંજૂર થયેલો 25 ટકા જેટલો પાક વીમો હજૂ પણ ન મળ્યો હોય તે પણ તાત્કાલિક ખેડૂતોને આપવાની પણ માંગણી કરવામાં આવી છે.
ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
આ સાથે જ જો માંગણીઓનો સ્વીકાર તાત્કાલિક કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં ખેડૂતોના વિવિધ મુદ્દાઓને ધ્યાનનમાં રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેવી ચીમકી ખેડૂત નેતા પાલભાઇ આંબલિયા દ્વારા આપવામાં આવી છે.