જામનગર: જિલ્લાના ખેડૂતો રાજ્ય સરકારના નવા નિતી-નિયમોથી નારાજ જોવા મળી રહી છે. જામનગર મોટાભાગની વાડીઓ હાઈવે નજીક છે. જેથી ખેતી કામ કરવા જતા પણ હેલ્મેટ અને માસ્ક પહેરવું પડી રહ્યું છે.
રાજ્ય પોલીસ વડાએ પરિપત્ર જાહેર કરતા કહ્યું કે, હાઇવે પર વાહાન ચલાવતી સમયે હેલ્મેટ પહેરવું ફરજિયાત રહશે. જો કે, ગામડાના ખેડૂતોને વાડીએ જતા પણ હેલ્મેટ પહેરવું પડે છે. ગામડામાં પણ પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. જો કોઈ ખેડૂત માસ્ક કે હેલ્મેટ વિના જોવા મળે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે.
જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આ મામલે ગ્રામ્ય મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં ખેડૂતોને પડતી હાલાકી અંગે રજૂઆત કરવામાં આવી છે. એક તરફ ભારે વરસાદના પગલે ખેડૂતોનો પાક નિષ્ફળ જતા આર્થિક રીતે પાયમાલ બન્યા છે. તો બીજી તરફ હેલ્મેટના નિયમનો એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડે છે. જેને લઈ ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
જામનગર જિલ્લામાં ખાસ કરીને હાઇવે નજીક વાડીએ હોવાથી ખેતી કામ કરવા જતા ખેડૂતો એક પ્રકારનો ડર અનુભવી રહ્યા છે કે, પોલીસ ગમે ત્યારે તેમને રોકી દંડ વસૂલી શકે છે. ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે, ગ્રામ્ય વિસ્તારમાં હેલ્મેટનો દંડ રાજ્ય સરકારે ન વસૂલવો જોઈએ. આર્થિક રીતે પાયમાલ થયેલા ખેડૂતો પાસેથી માસ્ક અને હેલ્મેટનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. જેના પગલે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.