જામનગર: હાલમાં રાજ્યમાં નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે. માતાજીની આરાધના કરવાના આ પવિત્ર દિવસોમાં જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હજામચોરાની સીમમાં અંધશ્રદ્ધાની આડમાં હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. વાડી વિસ્તારમાં રહેતા દાહોદના ભાઇ-બહેને ધાર્મિક વિધિના બહાને નાની બહેનની ક્રુર હત્યા કરી માનવબલી ચડાવી દીધાની ઘટના સામે આવતા દોડધામ મચી ગઇ હતી. પોલીસે આ કૃત્ય આચરનાર બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બહેનની ક્રુર હત્યા: જાણવા મળતી વિગત મુજબ ધ્રોલ તાલુકાના હજામચોરામાં ખેતમજુરી કરતા મૂળ દાહોદના વતની રાકેશ છગન તડવી અને તેની બહેન બંનેએ માતાજીના ધાર્મિક વિધિના બહાને પોતાની સગી નાની બહેન (ઉ.વ.15)ને ઓરડીમાં વિધિના બહાને લઇ જઇ નિર્વસ્ત્ર કરી લાકડી અને છરીના ઘા ઝીંકી દીધા હતા અને એ પછી દિવાલમાં માથું અથડાવીને ક્રુર હત્યા નિપજાવી હતી. ત્યારબાદ અંધશ્રઘ્ધામાં અંધ બનેલા બંને ભાઇ બહેનો ધુણવા લાગ્યા હતા.
મૃતદેહની પાસે 24 કલાક ધુણતા રહ્યા: પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અંધશ્રદ્ધાના કારણે મોટા ભાઇ-બહેને સગીર વયની બહેનને માતાજીની ધાર્મિક વિધીના બહાને હત્યા નીપજાવી હતી. નાની બહેન અપશુકનીયાળ છે, આપણને હેરાન કરશે, આપણી ઘરની સમસ્યાઓ બહેનના લીધે છે એવી શંકાના આધારે ધાર્મિક વિધિની આડમાં ખુની ખેલ રચ્યો હતો. હત્યા કર્યા બાદ બંને ભાઈ-બહેન દિવસભર ઓરડીમાં બંને ધુણતા હતા અને બીજા દિવસે વાડી માલિકને જાણ થતાં સમગ્ર ઘટના સામે આવી હતી. જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, જયાં હચમચાવી મુકનારા દ્રશ્યો જોવા મળ્યા હતા.
આરોપી સામે નોંધાયો ગુનો: પોલીસે લાકડી અને છરી જેવા હથીયાર કબ્જે લઇ બંનેની અટકાયત કરી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો લઇ PM માટે મોકલી આપ્યો હતો અને દાહોદ ખાતે મૃતકના પિતાને જાણ કરવામાં આવી હતી. પોલીસે આ બનાવમાં આરોપી રાકેશની વધુ પુછપરછ હાથ ધરી છે, જ્યારે આરોપી બહેન સગીર હોવાથી તેને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપી છે. આરોપી રાકેશ તડવી અને તેની બહેન બંને સામે આઇપીસી કલમ 302, 114, જીપીએકટ 135(1) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.