જામનગર : રાજ્ય પર બિપરજોઈ નામના વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે, આગામી 10 અને 11મી તારીખે સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડું ટકરાય તેવી શક્યતા છે. જેને લઇ જામનગર જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. સાથે સાથે PGVCL ટીમ પણ સંભવિત વાવાઝોડાને લઈ સજ્જ બની છે. વાવાઝોડા સામે કુલ 108 જેટલી ટીમો બનાવવામાં આવી છે. સંભવિત વાવાઝોડું કોસ્ટલ એરિયામાં ટકરાય તેવી શક્યતા જોવા મળી રહી છે. PGVCLની ટીમો દ્વારા ખંભાળિયા, દ્વારકા, જામનગર દરિયા કિનારે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વીજ પુરવઠો ખોરવાઈ નહીં તે માટે PGVCL દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
વાવાઝોડું હાલ અરબી સમુદ્રમાં સ્થિર થયું છે અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડાની ગંભીર અસરો થાય તેવી શક્યતા છે. જોકે જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાની તે માટે વીજ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. તમામને ઓફિસે હાજર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. - આર. જે. વાળા (ચીફ એન્જિનિયર, રાજકોટ)
તંત્રની કડક તૈયારીઓ : અગાઉ ખાબકતા વાવાઝોડામાં ખાસ કરીને જામનગર તેમજ દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારે ભારે અસર થઈ હતી. મોટાભાગના બિજ પોલો પડી ગયા હતા. જેના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. ત્યારે આ વખતે અગાઉના અનુભવ પરથી જામનગર જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ખાસ કરીને દરિયા કિનારાના 22 ગામોને અલગ કરવામાં આવ્યા છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. જે માછીમારો દરિયાની અંદર રહેલા છે તેઓને નજીકના બંદરો પર જવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. હાલ દરિયામાં ભાવજડાના પગલે કરંટ જોવા મળી રહ્યો છે. મોટા મોજા ઉછળી રહ્યા છે. જોકે વાવાઝોડું આગામી 10 અને 11 તારીખે વધુ વેગવંતુ બને તેવી શક્યતા છે.