જામનગરઃ જામનગર કસ્ટમ્સ ટીમને મોટી સફળતા મળી છે. જિલ્લાના સિક્કા પોર્ટ બહાર રશિયાથી આવેલા ઓઈલ ટેન્કરમાંથી બળેલા ઓઈલના સ્થાને ફર્નેશ ઓઈલ ઉતારવાનો કારસો કસ્ટમ્સની ટીમે ઝડપી પાડી હતી. ટીમે 4 કરોડ રૂપિયાની કિંમતનું 700 ટન ફર્નેશ ઓઈલ, 2 કરોડ રૂપિયાનું બાર્જ અને 98 કરોડ રૂપિયાનું ઓઈલ ટેન્કર જપ્ત કરી કસ્ટમ્સ એકટ મુજબ કાર્યવાહી શરૂ કરી હતી. રશિયન કાર્ગોમાંથી ઝડપાયેલા લોકોની કસ્ટમ વિભાગે પૂછપરછ શરૂ કરશે. ત્યારબાદ સમગ્ર પર્દાફાશ થશે. વિવિધ પોર્ટ પર બળેલું ઓઈલ ઉતારવામાં આવતું હોય છે. તેની આડમાં ફર્નેશ ઓઈલ ઘૂસાડવાનું ષડયંત્ર ખુલ્લું પડ્યું છે.
આ પણ વાંચો Union Budget 2022 : હીરા પરની કસ્ટમ ડ્યુટી ઘટતા ચીનથી ભારતના વ્યાપારીઓને નુકશાન, જાણો વિગતથી...
ભારતમાં ભાવ આસમાનેઃ અત્યારે ભારતમાં ડીઝલ અને ફર્નેશ ઓઈલના ભાવો આસમાને છે. ત્યારે કાંઠા પર સક્રિય એવા ઓઈલ માફિયાઓ દ્વારા ગલ્ફના દેશોના ભાવ અને ભારતના પેટ્રોલિયમ પ્રોડક્ટનો વધુ ભાવ મેળવવા માટે ડીઝલ અને ફર્નેશ ઓઈલની દાણચોરી શરૂ કરવામા આવી છે.
માફિયાઓમાં ફફડાટઃ ત્યારે સિક્કાના કાંઠા પર પણ આવા માફિયાઓ કસ્ટમ્સની આંખમાં ધુળ નાખી દાણચોરીની પ્રવૃતિ કરી રહ્યા છે તેવી માહિતી સિક્કા કસ્ટમ્સને ઘણા સમય પહેલા મળી હતી. તેના આધારે સિકકા કસ્ટમ્સ પણ સર્તક બની ગયું હતું. સાથોસાથ જામનગર કસ્ટમ્સ હેડકવાર્ટર પ્રિવન્ટીવની ટીમે તેમની રીતે તપાસ હાથ ધરી હતી. આવામાં રશિયાથી આવેલી એમ.ટી.બાંગા નામનું ઑઈલ ટેન્કર સિકકા પોર્ટ પર આવ્યું હતું અને તેમના દ્વારા સ્લઝ (સળગેલું ઓઈલ) ઉતારવામાં આવી રહ્યાની માહિતી મળી હતી પણ કસ્ટમ્સ ટીમ તુરંત દરિયામાં ઘસી ગઈ હતી.
આગળની તપાસ શરૂઃ જે બાર્જમાં કહેવાતું સળગેલું ઑઈલ ઉતારવામાં આવતું હતું. તેમાં તપાસ કરીને ઓઈલના સેમ્પલ લીધા હતા અને તેનું લેબોરેટરીમાં પૃથ્થકરણ કરવામાં આવતા આ સળગેલું ઑઈલ નહીં, પણ ફર્નેશ ઑઈલ હોવાનું સાબિત થયું છે. આથી 700 ટન ફર્નેશ ઓઈલનો જથ્થો જપ્ત કરવામા આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરાઈ છે.
પૂછપરછ શરૂઃ આ અંગે કસ્ટમ્સ વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલ આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે અને કાર્ગોમાં આવેલા રશિયન નાગરિકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.