જામનગર : જિલ્લાના આમરા ગામમાં બે પુલ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જોકે ડાયવર્ઝન રાખવામાં ન આવેલ હોવાના કારણે પાંચ ગામના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા ચાર દિવસથી જામનગર પંથકમાં વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે આમરા ગામમાં પુલની કામગીરીને લઈને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ શકતા નથી અને ઇમરજન્સી સેવાઓ પણ લોકોને સમયસર મળતી નથી. છેલ્લા છ મહિનાથી અહીં પુલ બનાવવાની કામગીરી કરવામાં આવી છે.
ભારે વરસાદ પડવાના કારણે આમરા આજુબાજુના પાંચ ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. જોકે હજુ સુધી કોઈ રાજકીય આગેવાન દ્વારા આ ગામોની મુલાકાત લેવામાં આવી નથી અને પુલનું જે કામ ચાલી રહ્યું છે તે પણ ગોકળ ગતિએ ચાલી રહ્યું હોવાનો ગ્રામજનો આક્ષેપ છે. છેલ્લા છ મહિનાથી અહીં બે પુલ બનાવવામાં આવી રહ્યા છે. ડ્રાઈવરજન ના હોવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે - સ્થાનિકો
ગ્રામજનોને ભારે મુશ્કેલી : મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા જ મહિલાઓને ગામમાં પ્રેગનેન્સી વખતે હોસ્પિટલ લઈ જવા માટે સ્થાનિકોએ રસ્તા વરસાદમાં ચાલીને 108 સુધી પહોંચાડી હતી. સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરો અને રાજકીય આગેવાનોની મિલીભગતના કારણે પાંચ ગામના લોકો પરેશાન બની રહ્યા છે. ગામમાંથી સ્કૂલ કોલેજે જતા બાળકો છેલ્લા પાંચ દિવસથી સ્કૂલ કોલેજે જઈ શક્યા નથી, ત્યારે ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે, તાત્કાલિક પુલનું કામ શરૂ કરવામાં આવે અને સ્થાનિકોને જીવન જરૂરિયાતની જે વસ્તુઓ જોઈતી હોય તે વસ્તુઓ મળતી નથી તે પણ મળી રહે.