જામનગર : જામનગરમાં અમર જવાન સ્મારક ખાતે ધારાસભ્ય રીવાબા જાડેજા અને જામનગર મહાનગરપાલિકાના મેયર મીનાબેન કોઠારી અને સાંસદ પૂનમ માડમ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. આ સમગ્ર વિવાદ ભારે ચર્ચામાં આવ્યો છે. જોકે આ વિવાદ હજુ પણ ચાલુ જોવા મળી રહ્યો છે. કારણ કે જૈન સમાજ દ્વારા જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારીના સમર્થનમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરવામાં આવી હતી. તો આજરોજ રાજપૂત સમાજે પણ ધારાસભ્ય રીવાબા જાડેજાના સમર્થનમાં અમર જવાન સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી અને સમર્થન આપ્યું છે.
શું હતો વિવાદ અને કેમ હજુ નથી આવ્યો અંત : જામનગરમાં લાખોટા તળાવ ખાતે મારી માટી મારો દેશ નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ યોજ્યા બાદ અહીં અમર જવાન સ્મારક બનાવવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારીના હસ્તે કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે સાંસદ પૂનમ માડમ ઉપસ્થિત રહ્યા હતાં અને ધારાસભ્ય રીવાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે શહીદોને શ્રદ્ધાંજલિ આપતી વખતે ચંપલ ઉતારવા મુદ્દે ત્રણે મહિલાઓ વચ્ચે વિવાદ થયો હતો અને આ વિવાદે ખૂબ જોર પકડ્યું હતું.
વિવાદનો અંત લાવવા માટે પ્રયાસ : રીવાબા જાડેજા, બીનાબેન કોઠારી અને પૂનમ માડમ વચ્ચેની ચકમક ગુજરાત ભાજપ સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આખરે સાંસદ પૂનમ માડમે સમગ્ર વિવાદનો અંત લાવવા માટે પ્રયાસ કર્યા હતાં. જોકે ધારાસભ્ય રીવાબા જાડેજા એગ્રેસિવ મૂડમાં જોવા મળ્યા હતાં. બાદમાં જામનગર મહાનગરપાલિકાના મેયર મીનાબેન કોઠારી પણ એગ્રેસિવ વલણમાં જોવા મળ્યા હતાં. જેના કારણે આ વિવાદનો અંત હજુ સુધી આવ્યો નથી.
રાજપૂત સમાજનો સપોર્ટ : ભાજપની અગ્રણી મહિલા નેતાઓના વિવાદમાં હવે રાજપૂત સમાજ પણ ઇન્વોલ્વ થયો છે. જૈન સમાજ બાદ રાજપૂત સમાજ પણ સમગ્ર વિવાદમાં રીવાબાને સમર્થન જાહેર કરતો જોવા મળ્યો છે. આમ આગામી દિવસોમાં જામનગરના રાજકારણમાં કોઈ મોટો ફેરબદલ થાય તેવી શક્યતા છે.
અફવાએ જોર પકડ્યું : જામનગરમાં દિવસભર મેયર બીનાબેન કોઠારીના રાજીનામું આપવાની અફવાએ જોર પકડ્યું હતું. જો કે આખરે મેયરે સમગ્ર મામલે ખુલાસો કર્યો છે કે તેમણે રાજીનામુ હજુ આપ્યું નથી.